કોવિડની અસર ઓસરી ગઈ છે અને હાલમાં મહત્તમ લોકો બંને ડોઝ મેળવી સુરક્ષિત થઈ ગયા હોવાથી સરકારી રસીકરણ કેન્દ્રો પર કોવિડ વેકસીન લેવા માટે આવનાર લાભાર્થીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે,જેથી હવે રસીકરણ કેન્દ્રની સંખ્યા પણ ઘટાડી દેવાઇ છે.અગાઉ કોવિન પોર્ટલ પર રસી માટે 231 જેટલી સાઈટ બતાવવામાં આવતી,બાદમાં તેમાં ઘટાડો થઈને છેલ્લે 80 ની આસપાસ કેન્દ્ર ઉપલબ્ધ હતા.જોકે હવે તેમાં પણ ઘટાડો કરીને માત્ર 5 જ સરકારી રસીકરણ કેન્દ્ર જિલ્લામાં ઉપલબ્ધ હોવાનું પોર્ટલ પર દર્શાવવામાં આવ્યું છે.
મહત્વની વાત એ છે કે,18 થી 44 વર્ષની આયુમાં આવતા લોકોને ત્રીજો ડોઝ પૈસા ખર્ચીને લેવાનો છે પણ જિલ્લામાં એકપણ પેઇડ સેન્ટર જાહેરાત થયાના 8 દિવસમાં ખુલ્યા નથી.એકતરફ ખાનગી સેન્ટર ખુલ્યા નથી તે વચ્ચે સરકારી'ય બંધ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે,એક વ્યક્તિ રસી લેવા માટે અને તેના માટે વાયલ ખોલવામાં આવે તો બીજા 9 ડોઝનો બગાડ થતો હતો,જેથી ઘણા વાયલ ઉપયોગમાં પણ આવતા નથી.
પ્રિકોશન ડોઝ માટે કોઈ ઉત્સુકતા નહિ, મેસેજને કરાય છે ઇગ્નોર
18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો માટે પ્રિકોશન ડોઝ શરૂ થઈ ગયા છે અને આ માટે લાભાર્થીને કોવિન પોર્ટલ મારફતે મેસેજ પણ મોકલવામાં આવે છે પણ કોવિડની અસર ઘટી ગઈ હોવાથી લોકો રસી લેવામાં આળસ કરે છે અને મેસેજને ઇગ્નોર પણ કરી દે છે.આ જ કારણોસર પ્રિકોશન ડોઝનું રસીકરણ 10 દિવસથી 60 હજારથી આગળ વધતું જ નથી તેમજ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોની પણ હાલમાં પરીક્ષા ચાલુમાં હોવાથી રસી લેવા વાલીઓ મોકલતા નથી પણ મહત્વની બાબત એ છે કે,અત્યારસુધી જિલ્લામાં 34 લાખ ડોઝ અપાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.