PM સાથે સંવાદ:કચ્છના કુકમા ખાતે સ્વસહાય જૂથની બહેનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંવાદ યોજ્યો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • PMFME યોજના હેઠળ જિલ્લામાં 88 સ્વ સહાય જૂથોને રૂ. 34.80 લાખ ફાળવવામાં આવશે

ભુજ તાલુકાના કુકમા ખાતે સ્વસહાય જૂથની બહેનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વસહાય જૂથોની મહિલાઓ સાથેના સીધાસંવાદમાં ઉત્સાહભેર જોડાઈ હતી. કલેકટર પ્રવિણા ડી. કેના અધ્યક્ષ સ્થાને કુકમાના કે. જી. રાઠોડ વિદ્યાલય ખાતે વડાપ્રધાનના વર્ચ્યુઅલી સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે સીધો સંવાદ કાર્યક્રમમાં સહાય જૂથોની કચ્છની બહેનોએ અન્ય રાજ્યોની સ્વસહાય જૂથની બહેનો દ્વારા કરવામાં આવતી ફાર્મ, કૌશલ્ય, તાલીમ ,ડેરી ઉદ્યોગ, પશુપાલન અને બેકરી ઉદ્યોગ અંગેનો પરિસંવાદ જાણ્યો હતો.

પીએમ ફોર્મલાઈજેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ એટલે પી.એમ.એફ.એમ.ઈ યોજના અંતર્ગત રાજયમાં કચ્છ ,સુરેંદ્રનગર અને જૂનાગઢમાં સ્વસહાય જૂથની બહેનોને અપાનારા લાભ પૈકી કચ્છમાં 88 જેટલા સ્વસહાય જૂથોને રૂ. 34 લાખ 80 હજાર ફાળવવામાં આવશે .જેનાથી ખાદ્ય ગૃહ ઉદ્યોગો બહેનો વિકસાવી શકશે. કલેકટર પ્રવિણા ડી. કે દ્વારા પ્રદર્શનમાં સ્વસહાય જૂથની બહેનોએ તૈયાર કરેલી કામગીરી બેગ, હાથ વણાટની સાડી, શાલ વગેરે નિહાળ્યા હતા. તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, અગ્રણી હંસાબેન હર્ષિયાણી , સરપંચ કંકુબેન વણકર તેમજ સંબંધિત અધિકારીઓ તથા બહેનો ઉપસ્થિત રહી હતી.