કચવાટ:બીએલઓની આડેધડ કામગીરીથી પ્રાથમિક શિક્ષકો મૂંઝવણમાં મુકાયા

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાત્રોના શિક્ષણના ભોગે ડોર ટુ ડોર સર્વેની કામગીરી સોંપાતા કચવાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં અદ્યતન ડેટાવાળી મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં કચ્છ જિલ્લાના બી.એલ.ઓ તરીકે પ્રાથમિક શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. પરંતુ, વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે ચાલુ નિશાળે ડોર ટુ ડોર સર્વે કામગીરી સોપાઈ છે, જેથી શિક્ષકોમાં ભારે કચવાટની લાગણી પ્રવર્તી રહી છે.

ચૂંટણી પંચનો સ્પષ્ટ આદેશ છે કે ત્રણ વર્ષ પછી જે તે બીએલઓને બદલવા અને નવાને કામગીરી સોંપવી. બી.એલ.ઓ. જે વિસ્તારમાં રહેતા હોય અથવા જે ભાગમાં મતદાર હોય, ત્યાં જ નિમણૂક કરવાની રહેશે. આમ છતાં ગમે તેને ગમે ત્યાં આડેધડ નિમણૂક અપાઈ છે. ચૂંટણી પંચના પત્રને ગોળીને પી જનારા છેલ્લા આઠ દિવસથી લક્ષ્યાંક પૂર્ણ કરવા દબાણ કરી રહ્યા છે, જેમાં નિષ્ફળ જનારાને નોટિસ આપી છે. પગલા લેવાની તાકીદો અપાઈ રહી છે. બીજું ફક્ત પાંચ સો રૂપિયાના માનદ વેતનમાં આ કામગીરી લેવાઈ રહી છે. કેટલાકને આઠ કિલોમીટર દૂર ફરજ સોંપાઈ છે અને દરેક જગ્યાએ આવજાવમાં જ આ રૂપિયા વપરાઈ જાય છે. છતાં રાષ્ટ્રીય કામગીરી માની બી.એલ.ઓ. કામગીરી કરી રહ્યા છે.

ગરૂડ એપ. મોબાઈલથી ઓનલાઈન કામગીરીનો આદેશ
ગરૂડા એપ શિક્ષકોએ પોતાના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી તેમાં જ પોતાના ખર્ચે ઓનલાઇન કામગીરી કરવાના આદેશ રાતોરાત થતાં શિક્ષકોમાં ભારે અસંતોષ ફેલાઈ રહ્યો છે. ઘણા શિક્ષકો પાસે મોબાઇલમાં પૂરતી જગ્યા અને ડેટા ન હોવા છતાં તેમને નોટિસની બીક બતાવી તેમના દ્વારા કરાવવામાં આવે છે. આટલા વર્ષો આ કામગીરી થતી હતી તો આ વખતે કેમ કોઈ ઓપરેટર દ્વારા કામગીરી નથી થતી અને બીજું એક બાજુ ડોર ટુ ડોર સર્વે કરવાનું અને એ જ સમયે ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની અને એ જ સમયે શાળામાં ભણાવવાનું આ ત્રણ કામ એક જ સમયે કઈ રીતે કરવું તે આ બાબતે શિક્ષકો અવઢવમાં છે.

કામગીરીમાંથી મુક્તિ આપવા આજે આવેદન
પ્રાથમિક શિક્ષક સમાજ તા.25/11ના મામલતદાર અને કલેકટરને આવેદન પત્ર પાઠવી આ કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરવાના છે. જે શિક્ષકોને ત્રણ વર્ષ પૂર્ણ થઇ ગયા છે તેમને મુક્તિ આપવા, મહેનતાણું વધારવા અને ઓનલાઇન ગરુડા એપ માંથી મુક્તિ આપવાની રજૂઆત શિક્ષક સમાજ કરશે.

અન્ય સમાચારો પણ છે...