કર્મચારીઓમાં નારાજગી:તહેવારમાં પણ રૂટીન દિવસોની જેમ રસીકરણની કામગીરી કરવા દબાણ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે રસીકરણનો અંતિમ દિવસ,હવે સોમવારે શરૂ થશે
  • લોકો નથી આવતા છતાં સબ સેન્ટર પર આખો દિવસ સ્ટાફને બેસવું પડે છે

દીપોત્સવી પર્વ શરૂ થઈ ગયો છે અને આજે કાળી ચૌદશનો તહેવાર છે ત્યારે તમામ લોકો તહેવારની ઉજવણીમાં વ્યસ્ત બની ગયા છે. જોકે, આરોગ્ય કર્મચારીઓને હજી પણ કામગીરીનું ભારણ સતાવી રહ્યું છે. મોટાભાગની તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળે છે ત્યારે આરોગ્ય વિભાગના તાલુકા અધિકારીઓને જિલ્લા પંચાયતમાંથી સૂચના આપવામાં આવી છે કે,તહેવારના આ દિવસમાં વર્કિંગ દિવસની જેમ જ રસીકરણની સેશન યોજવામાં આવે. જોકે વક્રતા એ છે કે,હાલના તહેવારના દિવસોમાં રસી મુકાવવા માટે લોકો આવતા નથી.માંડ ગણ્યા ગાંઠયા લોકો વેકસીન મૂકાવવા માટે આવે છે.

તેમ છતાં જિલ્લામાં ફરજીયાત સબ સેન્ટર વાઇઝ રસીકરણની સેશન યોજવા માટે આદેશ કરવામાં આવ્યો છે જેને પગલે આરોગ્ય કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજનો દિવસ રસીકરણની કામગીરી ચાલુ રહેશે.કાલથી દિવાળી પર્વની શનિવાર સુધી રજા રહેશે તેમજ રવિવારે જાહેર રજા હોવાથી હવે સોમવારથી જ વેકસીનેશનની કામગીરી પુન: શરૂ થશે તેવું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી આરોગ્ય કર્મચારીઓ ખંત પૂર્વક પોતાની ફરજ એક પણ રજા લીધા વિના બજાવી રહ્યા છે. હાલમાં જ્યારે કોવિડનું સંક્રમણ ઘટી ગયું છે ત્યારે દિવાળીના તહેવારમાં આરોગ્ય કર્મચારીઓ રજા માંગતા તેઓની રજા પણ છેલ્લી ઘડીએ નામંજૂર કરી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...