રજૂઆત:ઢોસામાં માથાભારે લોકો દ્વારા ગૌચર જમીન પર કરાતું દબાણ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આસપાસના ગામોના ખેડૂતોનું વધતું અતિક્રમણ

ભુજ તાલુકાના ઢોસા ગામની સીમમાં ખેતીના નામે આસપાસના ગામોના ખેડૂતો દ્વારા ગૌચર જમીન પર દબાણ કરાતું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને લેખિત રજૂઆત કરાઇ છે. ઢોસામાં આસપાસના ગામો બાઉખા, મકનપર, આમારા સહિતના ગામોના ખેડૂતો પોતાના કબ્જા, ભોગવટા અને માલિકીની જમીન કરતાં વધારાની જમીન પર કબ્જો કરી, ખેતી કરવામાં આવી રહી છે.

આ માથાભારે શખ્સો દ્વારા હવે ગૌચર જમીન પર પણ પગદંડો જમાવવામાં આવી રહ્યો છે. ગામના પશુધનના ચરિયાણ માટેના જૂના રસ્તા બંધ કરી દેવાતાં મુશ્કેલી ઉભી થઇ છે અને ગામ લોકોને નાછૂટકે પશુધનને સીમમાં ચરવા માટે મુકવાના બદલે ઘરે બાંધી દેવાની નોબત આવી છે. ગામના જાગૃત નાગરિકોએ ગૌચર જમીન પરનું દબાણ દુર કરવા સમજાવવા જતાં આ માથાભારે શખ્સો દ્વારા ખોટી રીતે પોલીસ ફરિયાદ કરાય છે.

જો આવા શખ્સો સામે કોઇ જ પગલા નહીં ભરાય અને ગેરકાયદે પ્રવૃત્તિ પર રોક નહીં લાગે તો આ માથાભારે લોકોને મોકળું મેદાન મળી જશે અને સમયાંતરે પશુધનના ચરિયાણ માટે કોઇ જમીન જ નહીં રહે તેવો તાલ સર્જાશે. આસપાસના ગામોમાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે તાત્કાલિક ધોરણે તપાસ કરાવી ગૌચર પરનું દબાણ દુર કરવા ગામના સુમરા જુણસ તાલબ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...