તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવાઝોડુ:કાંઠાળ વિસ્તારના 123 ગામોમાં આગોતરી તૈયારી શરૂ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર સાબદુ, લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના મુદ્દે ચર્ચા

કચ્છમાં પણ વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના વચ્ચે કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી જિલ્લાના કાંઠાળ પટ્ટાના 123 ગામોમાં અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવા સંબંધિત વિભાગોને આદેશ કર્યો છે. રાજ્યમાં તૌકતે વાવાઝોડુ આવવાની સંભાવનાના પગલે ગુરૂવારે કલેક્ટર પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારી માટેની બેઠક યોજાઇ હતી. તારીખ 14થી 20મી મે 2021 દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાવાઝોડું આવવાની સંભાવનાને પગલે જિલ્લાના કાંઠાળ વિસ્તારોના લખપત,અબડાસા,માંડવી,મુન્દ્રા અંજાર અને ગાંધીધામ સહિત 7 તાલુકાના 123 ગામમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે નારાયણ સરોવરથી ભચાઉ સુધી બંદરો તેમજ માછીમારો અને અગરિયાઓ માટેની સાવચેતી બાબતે સંલગ્ન વિભાગો અને લાઇઝન અધિકારીઓ,પ્રાંત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

કલેકટરે આ તકે અંતિમ દસ વર્ષની પરિસ્થિતિનો તાગ લઈને વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારી કરવા સંબંધિતોને સૂચિત કર્યા હતા. પીજીવીસીએલ પાણી પુરવઠા,રોડ અને બિલ્ડીંગ વગેરે ના અધિકારીશ્રીઓને સંભવિત વાવાઝોડા સામે ઇમર્જન્સીમાં કરવાની કામગીરી માટે તાકીદે તૈયાર રહેવા સૂચિત કર્યા હતા. નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ પણ સંબંધિત સર્વે કચેરીઓ અને અધિકારીઓને તાલુકાવાર તમામ પૂર્વ તૈયારીની ચકાસણી અને વ્યવસ્થા માટે તાગ મેળવ્યો હતો તેમજ અગરિયાઓ,બંદરો,મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા શહેરો,સ્ટેશનો અને સેન્ટરમાં એલર્ટ રહેવા જણાવ્યું હતું.

તમામ પૂર્વ તૈયારી માટે સૂચિતોની યાદી અને જવાબદારી વચ્ચે કોરોના માટે પણ તકેદારી રાખવા સૂચના આપી હતી. કલેકટર દ્વારા જરૂર પડે સ્થળાંતર અને આશ્રયસ્થાનો તેમજ કોવિડ કેર સેન્ટરમાં,સામાન્ય લોકો માટે,કોરોનાના શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવા ભાર મુકાયો હતો. એસટી, સંદેશાવ્યવહાર,વનવિભાગ અને મત્સ્યઉદ્યોગ વગેરેનું તાલુકા સ્તરે પણ બેઠકનું આયોજન થાય તેમ જણાવ્યું હતું.

ભુજમાં મદદનીશ કલેક્ટરે પણ વિવિધ મુદ્દે બેઠક બોલાવી
મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરી, ભારે વરસાદ, વાવાઝોડું, પૂર જેવા કિસ્સાઓમાં બચાવ કામગીરી, બાળલગ્ન થતા અટકે તે માટે વહીવટી તંત્ર/પોલીસ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીઓની ટીમોને સબડીવીઝન વિસ્તારમાં ચકાસણી કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. બેઠકમાં મામલતદાર,ભુજ(ગ્રામ્ય) વિવેક બારહટ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...