નવી પહેલ:ભુજ શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીમાં પોલમપોલ નહીં ચાલે, કોન્ટ્રાક્ટરની 25 ટકા રકમ ડીપોઝીટ તરીકે રાખવાનો નિર્ણય

ભુજએક વર્ષ પહેલા
  • કોન્ટ્રાક્ટર પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરી છટકી નહીં શકે

કચ્છનું જિલ્લા મથક ભુજ શહેર દર ચોમાસાની ઋતુમાં વિવિધ પ્રશ્ને હાલાકી ભોગવતું હોય છે. ત્યારે આ વર્ષે કોઈ હાલાકી ઉભી ન થાય તે માટે વરસાદી પાણીના નિકાલ માટે સુધારાઈ દ્વારા આગોતરા આયોજનમાં નવતર પ્રક્રિયાનો ઉમેરો કરવામાં આવ્યો છે .

ભુજમાં પણ દર વર્ષે પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ માટે નગરપાલિકા લાખો રૂપિયાનો ખર્ચ કરતી આવી છે. તેમ છતાં ચોમાસા દરમિયાન ઠેરઠેર પાણી ભરાઈ જવા,ગટર ઉભરાઈ જવી,પાણીનો નિકાલ ન થવો , એવી અનેક સમસ્યા સર્જાતી હોય છે, ઉપરાંત કોન્ટ્રાકટર પણ પેમેન્ટ લીધા બાદ દાદ આપતા નથી. ત્યારે ભુજ સુધરાઈની આ વખતની નવી બોડીએ ભુજના ઇતિહાસમાં દાખલો બેસાડતી કામગીરી કરી છે.

નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ દરરોજ સવારે શહેરના જુદા જુદા વિસ્તારોની જાત મુલાકાત લઈ સફાઈ અને પાણી વિતરણની કામગીરીની સમીક્ષા કરે છે,શહેરમાં ચાલતા વિકાસકામો પર જાતે મોનિટરીગ રાખે છે. હાલમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે ભુજના વરસાદી નાળા, તળાવના ઓગનો,આવ,વહેણની સફાઈ શરૂ કરવામાં આવી છે.

આ વખતની પ્રિ મોનસૂન કામગીરીમાં શુ વિશેષતા રહેશે ? આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં સુધારાઈ પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે કહ્યું કે,અત્યારસુધીની સૌથી ઓછી ટેન્ડરની રકમે ભુજ નગરપાલિકાએ સફાઈનો કોન્ટ્રાકટ આપ્યો છે આ વખતે 13.71 લાખમાં વરસાદી નાળાની સફાઈનો કોન્ટ્રાકટ અપાયો છે જેમાં 35 કિલોમીટરમાં વરસાદી નાળા,હમીરસર અને દેશલસર તળાવની આવ,ઓગન અને વરસાદી વહેણની સફાઇ કરવામાં આવી રહી છે. આ કામ 20 દિવસમાં પૂર્ણ થઈ જશે.

ખાસ આ વખતે પ્રથમ વખત ટેન્ડરમાં શરત રાખવામાં આવી છે જેમાં કોન્ટ્રાકટરને સફાઈ બાદ પૂરું પેમેન્ટ નહિ ચૂકવાય,ચોમાસાની સિઝન પુરી થયા બાદ જ કોન્ટ્રાકટરને બાકીની 25 ટકા રકમ ચુકવવામાં આવશે જેથી ચોમાસા દરમિયાન કોઈ જગ્યાએ અવ્યવવસ્થા સર્જાય તો કોન્ટ્રાકટર પાસેથી કામ કઢાવી શકાય,રાજ્યની નગરપાલિકાઓને પણ કોન્ટ્રાકટર સાથે ટેન્ડરમાં શરતો રાખી કામની મજબૂતાઈ નક્કી કરવા નગરપતિએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...