ધરપકડ:પ્રમુખસ્વામીનગરની 2 લાખની ચિલઝડપનો ભેદ ઉકેલાયો

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના પ્રમુખ સ્વામીનગરમાં સપ્તાહ પૂર્વે થયેલી 2 લાખના સોનાના દાગીનાની ચીલઝડપનો ગુનો એલસીબીએ શોધી કાઢી 4 ઇસમોને દબોચી લીધા છે.આરોપીઓ ચિલઝડપમાં મળી આવેલા મુદામાલની ભાગબટાઈ કરતા હતા ત્યાં જ પોલીસે છાપો મારીને રંગેહાથ ઈસમોને ઝડપી પાડયા હતા

ખાવડામાં જ્વેલરી શોપ ધરાવતા અને પ્રમુખ સ્વામીનગરમાં આવેલા ઓધવ એવન્યૂ-2માં રહેતાં કાંતિલાલભાઈ શિવજીભાઈ તન્ના રૂ.2 લાખની કિંમતના દર-દાગીના ભરેલી થેલી એક્ટિવામાં રાખીને જતા હતા ત્યારે તેમની એક્ટિવા સાથે બાઈક ટકરાવવાનું નાટક કરી બે બાઈકસવાર થેલી ઝૂંટવીને નાસી ગયા હતા.ચીલઝડપના માલની ભાગબટાઈ માટે ચારે આરોપી શુક્રવારે ભુજના ખારસરા ગ્રાઉન્ડમાં બાવળની ઝાડી પાસે એકઠા થયા હતા. જે બાતમીના આધારે એલસીબીએ સ્થળ પર ધસી જઈ ચારેયને દબોચી લીધા હતા અને તેઓના કબ્જામાંથી કાપડની થેલી કબ્જે કરી હતી.

થેલીમાંથી પોલીસને ચીલઝડપમાં ગયેલાં 1.78 લાખના સોના-ચાંદીના દાગીના અને 50 હજારની કિંમતના 12 મોબાઈલ ફોન સાથે એક સ્પ્લેન્ડર મોટર સાયકલ પણ જપ્ત કરી હતી.પોલીસે ઝડપેલા આરોપીઓમાં સાહિલ ઊર્ફે કારો ઈબ્રાહિમ ફકીર (ઉ.વ.19, રહે. વિજયનગર, અંજાર), અકબર ઊર્ફે અલ્તાફ ભચુ બાફણ (ઉ.વ.22, રહે. ગંગાનાકુ, અંજાર), સિકંદર ઊર્ફે સીકલો લતીફ બાફણ (ઉ.વ.19, રહે. નીંગાળ, અંજાર) અને મોહસીન ઊર્ફે મોસલો મામદ લાખા (ઉ.વ.31, રહે. ભુતેશ્વર મંદિર, ભીડનાકા બહાર, ભુજ)નો સમાવેશ થાય છે.

જાણો ફિલ્મીઢબે કઈ રીતે ચિલઝડપને અપાયો હતો અંજામ
અંજારના સાહિલ ફકીરે પોલીસ પૂછપરછમાં કબૂલાત આપતા જણાવ્યું કે,કાંતિલાલને લૂંટવા માટેની ટીપ તેને સંબંધી મોહસીન લાખાએ આપી હતી.વેપારી ખાવડાથી આવે છે,ભીડનાકા પાસે એક્ટિવા પાર્ક કરી પ્રમુખસ્વામીનગરમાં ઘરે જાય છે તેવી હકીકત આપતા લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. લૂંટ માટે તેણે તેના સાગરીતો સિકંદર અને અકબરને સાથે લીધા હતા.પોલીસે મોહસીન મામદ લાખાની પણ પૂછતાછ કરતા તેણે કબૂલ્યું કે કાંતિલાલને લૂંટવા માટેની ટીપ મોટા દિનારામાં રહેતા આમદ ઊર્ફે ભાભલો સલેમાન સમાએ આપી હતી. ત્યારબાદ, આમદ તેના મિત્ર અયુબ સમા (રહે. પૈયા) સાથે ભુજ રૂબરૂ આવ્યો હતો અને કાન્તિલાલને લૂંટવા માટે પ્લાન ઘડાયો હતો.

ગઈકાલે અંજારમાં પણ વેપારીને 2 લાખનો ચુનો ચોપડાયો હતો
મોહસીન લાખાની પૂછપરછમાં તેણે અંજાર પાસે 2 લાખની છેતરપીંડી કરી હોવાની પણ કબૂલાત આપી છે. મોહસીને પોલીસને જણાવ્યું કે,દિલ્હીના એક વેપારીને ચોખાનો સોદો કરવા અંજાર બોલાવ્યો હતો.ગઈકાલે અંજાર-ગાંધીધામ બાયપાસ નજીક પુલીયા પાસે વેપારી પાસેથી બે લાખ રૂપિયા મેળવી લઈ માલ ના આપી તેની છેતરપિંડી કરી હતી. આ ગુનામાં મોહસીન સાથે સલેમાન શેખ (શેખટીંબો, અંજાર) અને મોટા દિનારાનો આમદ ઊર્ફે ભાભલો પણ જોડાયા હતા.

મોબાઈલ ચિલઝડપનો ભેદ ખુલ્યો
આરોપીઓની થેલીમાંથી 50 હજારની કિંમતના મળી આવેલાં 12 મોબાઈલ ફોન અંગે એલસીબીએ સિકંદર બાફણ અને અકબર બાફણની પૂછપરછ કરતાં તેમણે આ મોબાઈલ ફોન ગાંધીધામના જવાહરનગર સહિતના વિસ્તારોમાં એકલ-દોકલ રાહદારીઓના હાથમાંથી ચીલઝડપ કરીને મેળવ્યાં હોવાનું કબૂલ્યું છે.

ઝડપાયેલા ઈસમો રીઢા ગુનેગાર
સાહિલ સામે અંજાર અને આદિપુર પોલીસમાં વિદેશી દારૂના વેચાણનો ગુના નોંધાયેલો છે. સિકંદરને અંજાર પોલીસે વાહનચોરીના ગુનામાં અગાઉ ઝડપી પાડ્યો હતો તો મોહસીન પણ લૂંટ, મારામારી અને દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...