નુકસાનીની સમીક્ષા કરાઇ:કચ્છના 190 ગામોમાં તાઉતેના પગલે ઠપ્પ વીજ પુરવઠો પૂર્વવત કરાયો

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર કચેરીઅે વાવાઝોડાની અસરની સમીક્ષા કરાઇ

કલેક્ટર કચેરીઅે મળેલી બેઠકમાં કચ્છમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે થયેલી નુકસાનીની સમીક્ષા કરાઇ હતી.રાજયમંત્રી વાસણ આહીરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તાઉ-તે વાવાઝોડાના કારણે જિલ્લામાં વરસાદ, ભારે પવનના પગલે પશુપાલન, ખેતીવાડી, બાગાયત, વીજળી વગેરે ક્ષેત્રે થયેલી નુકસાનીની સમીક્ષા કરાઇ હતી. કચ્છમાં તાઉ-તેના કારણે બાગાયતમાં 8થી 10 ટકા થયેલા કેરીખરણ અંગે નાયબ બાગાયત અધિકારી વતી કે.પી.સોજીત્રાએ વિગતો અાપી હતી.

પીજીવીસીએલના અધિક્ષક ગુરવાએ જણાવ્યું હતું કે, કચ્છના 190 ગામોમાં ઘર વીજળી જતાં તત્કાલ વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો. ખેતીના 366 ફીડરો, પાંચ ટ્રાન્સફોર્મરો ક્ષતિગ્રસ્ત થયા હતા. 162 થાંભલાઓ પડી ગયેલા તેમજ અંજાર અને ભુજ સર્કલની વીજ કચેરીને પણ વાવાઝોડાથી નુકસાન થયું હતું. અન્ય જિલ્લાઓમાં પણ વીજ પુરવઠાની કામગીરી પૂર્વવત કરવા જિલ્લાની ટીમો ફિલ્ડમાં છે. રાજયમંત્રીએ ચોમાસાના પૂર્વ આયોજન બાબતે પણ સબંધિતોને પૂર્વ તૈયારીની વિગતો મેળવી હતી.

જિલ્લા ખેતીવાડી અધિકારી દિનેશ મેણાંતે પણ વરસાદ અને પવનના પગલે પાકને થયેલા નુકસાનની વિગતો રજૂ કરી હતી. નાયબ પશુપાલન નિયામક ડો.એચ.એમ.ઠકકરે પણ કચ્છમાં એકપણ પશુ મરણ ન થયાનું જણાવી, આગામી ચોમાસામાં પશુ રસીકરણના આયોજનની માહિતી રજૂ કરી હતી. ડિઝાસ્ટર શાખાના ઈન્ચાર્જ મામલતદાર મનસુખ કવાડીયાએ પણ વિગતો આપી હતી. બેઠકમાં કલેકટર પ્રવીણા ડી.કે., નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, ડિઝાસ્ટર નાયબ મામલતદાર રમેશ ઠકકર વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...