કિસાનોની માઠી દશા:દાડમનો પાક લીધા બાદ રાતા પાણીએ રોતા પાવરપટ્ટીના ખેડૂતો

નિરોણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુદરતી પરિબળોના કારણે પાક સદંતર નિષ્ફળ જતાં કિસાનોની માઠી દશા

પાવરપટ્ટીના નિરોણા સહિતના ગામોના કેટલાક કિસાનો ચાર વર્ષ પહેલા દાડમની બાગાયતી ખેતી તરફ વળ્યા હતા પણ છેલ્લા 3 વર્ષથી અનિયમિત વરસાદ, વારંવાર હવામાનમાં ફેરફાર અને વિવિધ રોગ લાગતાં દાડમનું ઉત્પાદન નહિવત થતાં ધરતીપુત્રોની માઠી દશા થઇ છે. કેટલાક કિસાનો દાડમને જડમૂળથી કાઢી અન્ય પાક તરફ વળ્યા છે. મળતી વિગતો મુજબ કોરોનાની મહામારીના તેમજ અન્ય કારણોસર છેલ્લા બે વર્ષથી દાડમના યોગ્ય ભાવ મળતા નથી. આ ઉપરાંત રોગ-જીવાતના કારણે ઉત્પાદન સતત ઘટતું જાય છે.

બીજી બાજુ ખાતર અને દવાના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે આમ થતાં ખર્ચ વધી જવાથી કિસાનોને મોટો આર્થિક ફટકો ખમવાનો વારો આવ્યો છે. કિસાન આગેવાન ઇન્દ્રસિંહે વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે, ચાર વર્ષ અગાઉ તેમણે ટપક પધ્ધતિ, દવા, ખાતર અને છોડ સહિત લાખોનો ખર્ચ કરીને દાડમનું વાવેતર કર્યું હતું પણ બે વર્ષથી પાક નિષ્ફળ જતાં કંટાળીને ખેતરમાંથી દાડમને મૂળ સહિત કાઢી નાખી અન્ય પાક લેવાનું આયોજન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતળ નીચા ક્ષારયુક્ત પાણી અને અપૂરતા વરસાદના કારણે આ પંથકમાં પરંપરાગત પાકો નિષ્ફળ રહેતાં ખેડૂતોએ દાડમની ખેતીમાં નસીબ અજમાવ્યું હતું તેમાં પણ ધારી સફળતા મળી ન હોવાનું કિસાનો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...