કાર્યકાળ:પંચાયત અને પાલિકાઓમાં વહીવટદાર શાસનની સંભાવના

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિ. પં.માં પ્રમુખને 6 વર્ષ સત્તા મળ્યાનો અપવાદ

વૈશ્વિક મહામારી કોરોના કોવિડ 19 વાયરસ સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ ચેપી અને જીવલેણ સાબિત થયો છે, જેથી લોક ડાઉનની સ્થિતિ છે. પરંતુ, ડિસેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદ્દત પૂરી થાય છે, જેથી વહીવટદાર શાસન થશે કે પ્રમુખની સત્તાનો કાર્યકાળ વધારાશે એ ચર્ચાએ જોર પકડયું છે. કેમ કે, ડિસેમ્બરમાં ચૂંટણીઓ જાહેર થાય તો 45 દિવસ પહેલા જાહેરનામું બહાર પાડવું પડે, જેથી સપ્ટેમ્બર અથવા વધીને ઓક્ટોબરમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને પદભાર મૂકવું પડે. પરંતુ, કચ્છ જિલ્લા પંચાયતમાં અછતની સ્થિતિએ પ્રમુખને પાંચ વર્ષ ઉપરાંત વધુ એક વર્ષ સત્તા સોંપાઈ હતી, જેથી કયો વિકલ્પ પસંદ કરવામાં આવશે એની અટકળો શરૂ થઈ ગઈ છે.

ડિસેમ્બરમાં મુદ્દત પૂરી, પણ કોરોના થકી ચૂંટણી ઠેલાય 
કચ્છ જિલ્લા પંચાયતમાં વેલજી બીજલ હુંબલે 1987ની 27મી ફેબ્રુઆરીથી 1993ની 31મી ઓકટોબર સુધી એટલે કે 6 વર્ષ 8 મહિના અને 4 દિવસ સુધી પ્રમુખ પદનો કાર્યકાળ ભોગવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ત્યારે કચ્છમાં અછતની સ્થિતિ સર્જાઈ હતી, જેથી એ નિર્ણય લેવાયો હતો. હાલના સંજોગોમાં વૈશ્વિક મહામારી કોરોના કોવિડ 19 વાયરસે ગુજરાતની સાથે કચ્છમાં પણ પોઝિટિવ કેસ ઉપરાંત કોરોનાથી મોતની ઘટનાઓ બની રહી છે અને બીજી બાજુ ડિસેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓની સદસ્યતાની મુદ્દત પૂરી થઈ રહી છે, જેથી કચ્છમાં શાસક પક્ષના પદાધિકારીઓ વધુ એક વર્ષ સત્તા મળશે એવી શક્યતા જોઈ રહ્યા છે. જોકે, 1987થી 1993ના અપવાદ સમયે વહીવટદાર શાસનની જોગવાઈ ન હતી. પરંતુ, હવે એ વિકલ્પ ઊમેરાઈ ગયો છે. એટલે વહીવટદાર શાસનના સંજોગો સર્જાયા છે.

પંચાયતોમાં કોંગ્રસ છે એટલે વહીવટદારનું શાસન આવી શકે
સૂત્રોએ જણાવ્યું હતું, ગુજરાત રાજ્યમાં મોટાભાગની તાલુકા અને જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે, જેથી પ્રમુખને વધુ એક વર્ષ પદભાર સંભાળવા મળે એવી કોઈ શક્યતા નથી. જો ડિસેમ્બરમાં ચૂંટણી જાહેર ન થાય તો વહીવટદારનું શાસન આવે એવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

હા, એ સમયે પ્રમુખે 6 વર્ષ શાસન કર્યું હતું : તારાચંદ છેડા
1987થી 1993 દરમિયાન જિલ્લા પંચાયતમાં તારાચંદ છેડા વિપક્ષીનેતા હતા, જેથી તેમને ખરાઈ માટે કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હા, એ સમયે પ્રમુખે 6 વર્ષ શાસન કર્યું હતું. કેમ કે, અછતની સ્થિતિમાં એ નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...