તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:KDCCના ડાયરેકટરની ચૂંટણીમાં રાજકારણ : મંડળીની યાદી જાહેર ન કરાયાનો આક્ષેપ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં જો નોટિસ બોર્ડ પર લીસ્ટ નહીં આવે તો કાયદેસરની કાર્યવાહીની કોંગ્રેસની ચીમકી

કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટીવ બેન્કના ડાયરેકટરની ચુંટણી આગામી બે મહિના બાદ યોજાવાની છે. જે માટેની તૈયારીઓ સરકારી રાહે શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ સત્તા પક્ષના નેતાઓ આ બાર વોર્ડમાં તેમના જ ઉમેદવારો જીતે તેવી રમત રમતા હોવાનું કોંગ્રેસ પ્રદેશ મંત્રી રફીક મારાએ આક્ષેપ કર્યો હતો અને બેન્કમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પાસે રજૂઆત કરી હતી.

સહકારી બેન્કના ડાયરેક્ટર તરીકે દર પાંચ વર્ષે ચુંટણી યોજાય છે. જેમાં મતદાતાઓ તરીકે મંડળીઓ તેમના ઠરાવ બેન્કને નિયત તારીખ સુધી પહોંચાડી મતદાનનો અધિકાર મેળવવાનો હોય છે. કરોડોના કૌભાંડ માટે વગોવાયેલી કેડીસીસી બેન્કના ડાયરેકટરની ચુંટણી યોજાવાની છે. જેમાં કુલ્લ 758 મંડળીઓના ઠરાવ રજૂ કરવામાં આવ્યા છે. દસ તાલુકા વચ્ચે બાર ડાયરેક્ટરની ચુંટણીની તારીખ ટુંક સમયમાં જાહેર થશે. એક થી બાર વોર્ડના મતદારોનાં નામ પહેલેથી જાહેર કરવાના હોય છે.

જેનો સમય ગઈકાલે તા. 28ના પૂર્ણ થઈ ગયા બાદ પણ લીસ્ટ નોટિસ બોર્ડ પર ન લગાવતા કોંગ્રેસ પ્રદેશમંત્રી રફીક મારાએ વાંધો ઉઠાવ્યો હતો. જો કે, જેના જવાબમાં સીઇઓ હિતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમને મંડળીઓની કાયદેસરતા તપાસતા ચાર પાંચ દિવસ લાગશે, ત્યારબાદ યાદી બહાર પડશે. આ સમયગાળા દરમિયાન જે મંડળીના ઠરાવ આવેલા છે, તેમને ધાક ધમકી આપીને રદ કરવી, મંડળીને ફડચામાં નાખવી, લોન નહિ આપવી, મંડળીને ખોટી નોટિસો આપીને તપાસ હાથ ધરવામાં આવશે તેવું કહી દબાણ ઊભુ કરીને સમર્થન મેળવવા કોશિશો થવાની સંભાવના મારાએ વ્યક્ત કરી હતી.

બેન્કની સત્તામાં રહીને કરોડોનું કૌભાંડ કરવાની પેરવી લેખાવી હતી. કરોડો રૂપિયાની લોન પણ એંસી ટકા શાસક પક્ષના લોકોને જ અપાય છે. આવા હેતુથી ચુંટણી પ્રક્રિયામાં અત્યારથી રાજકારણ ઘૂસ્યું છે. ખોટું કરવા નહિ દેવાય અને બે દિવસમાં જો મતદારોનું લીસ્ટ બહાર નહિ પડે તો તમામ પર કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...