તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:નિરોણાના જૂના અને જર્જરિત આરોગ્ય કેન્દ્રમાં પોલીસ સ્ટેશન

નિરોણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 3 વર્ષથી કાર્યરત થાણાને અલાયદા મકાનની આવશ્યક્તા

30 જેટલા ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતું નિરોણાનું પોલીસ સ્ટેશન હાલે જૂના અને જર્જરિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હોઇ અનેક અગવડો પડી રહી છે. 3 વર્ષ કરતા વધુ સમય પહેલા તત્કાલિન આઇજીએ પોલીસ મથક ચાલુ કરાવ્યું હતું જેમાં સુવિધાઓ ન હોતાં નવા સ્થળે પોલીસ સ્ટેશન બનાવાય તે જરૂરી બન્યું છે.

તા. 18/3/18ના આઇજી પીયૂષ પટેલે પોલીસ સ્ટેશન ચાલુ કરાવ્યું હતું પણ હાલે જરૂરી સગવડો ન હોતાં કર્મચારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને લીપાપોતી કરીને કામચલાઉ ધોરણે પોલીસ વિભાગને આપવામા આવ્યું હતું તેને આજે 3 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે પણ નવી ઇમારત માટે હજુ સુધી કોઇ પરિણામલક્ષી કામગીરી હાથ નથી ધરાઇ. જર્જરિત મકાનમાં પોપડા ખરતા હોવાથી ફરજ પરના કર્મચારીઓ સતત ભયમાં રહે છે.

લોકપની મર્યાદિત સુવિધા હોતાં ક્યારેક વધારે આરોપી પકડાય તો તેમને ક્યાં રાખવા તેવો સવાલ ખડો થાય છે. તો ચોમાસામાં છતમાંથી પાણી ટપકતું હોવાથી કોમ્પ્યૂટર સહિતના સાધનોને નુક્સાન થાય છે.આ અંગે પીએસઆઇ ડી. એ. ઝાલાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિકે જમીનની ફાળવણી સહિતની પ્રક્રિયા સંપન્ન કરીને ઉપલી કચેરીએ નવા પોલીસ મથક માટે દરખાસ્ત મોકલી છે જે મંજૂર થયેથી નવા ભવનનું નિર્માણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...