ઉચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરનારા તત્વો સામે કાર્યવાહી માટે પશ્ચિમ કચ્છ એસપીએ લોક દરબાર યોજવામાં આવ્યા બાદ વ્યાજખોરો સામે પોલીસની તવાઇ શરૂ થઇ છે. અબડાસા નલિયા, મુન્દ્રા, નખત્રાણામાં ત્રણ ફરિયાદ બાદ ભુજમાં વધુ બે ફરિયાદ નોંધાવાઇ છે.
ભુજના લાલ ટેકરી વિસ્તારના ભીલવાસમાં રહેતા ગોકુલભાઇ વાઘેલાએ વ્યાજખોર પિતા પુત્રના ત્રાસથી કંટાળીને ગત 1 ઓગષ્ટના હમીરસર તળાવમાં આપઘાત કરી લેતાં એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ વિરૂધ હતભાગીના પુત્રએ ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના લાલ ટેકરી વિસ્તારમાં ભીલવાસમાં રહેતા જીગ્નેશ ગોકુલભાઇ ભીલ વાઘેલાએ ભુજના ગાયત્રી મંદિર સામે આશાપુરા સોસાયટીમાં રહેતા લાભશંકર છોટાલાલ મહેતા અને તેના પુત્ર વિશાલ લાભશંકર મહેતા વિરૂધ ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓએ ફરિયાદીના પિતાને ઉંચા વ્યાજે નાણા આપી તેની પઠાણી ઉઘરાણી માનસિક ટોર્ચર કરી તેઓને આપઘાત કરવા માટે મજબુર કરતા ફરિયાદીના પિતાએ ગત 1 ઓગ્સટના હમીરસર તળાવમાં પડતું મુકીને આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે આરોપી પિતા પુત્ર વિરૂધ આઇપીસી કલમ 306, 114 તેમજ એટ્રોસીટી સહિતની કલમ તળે ગુનો નોંધી એે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળ તપાસ ભુજ વિભાગના ડીવાયએસપી જે.એન પંચાલે હાથ ધરી છે.
ભુજના વેપારીને વ્યાજે લીધેલા નાણા વ્યાજ સહિત ચુકવી આપ્યા હોવા છતાં વ્યાજખોર દ્વારા પડાણી ઉઘરાણી કરીને ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપતાં આરોપી વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના ભાનુશાલી નગરની પાછળ જલારામ મંદિર પાસે રહેતા અને આશાપુરા પાર્ટી પ્લોટ પાસે ફ્રુટની લારી રાખી વેપાર કરતા વેપારી રાજુભાઈ રતિલાલ ગોસ્વામીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ભુજના ગણેશનગરમાં રહેતા હિમાન્શુગીરી વિમલગીરી ગોસ્વામી વિરૂધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીએ આરોપી હિંમાશુગીરી વિમલગીરી ગોસ્વામી પાસેથી વ્યાજે રૂપિયા એક લાખ લીધા હતા. જેની સામે 83 હજાર રૂપિયા વ્યાજ સાથે આપી દિધા હતા તેમ છતાં આરોપી બાકીના રૂપિયા બળજબરીથી કઢાવવા માટે ફરિયાદી ધાકધમકી કરીને ફરિયાદીએ આપેલો ચેક પાછો ન આપી ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ ગુનો નોંધાવ્યો છે. બી ડિવિઝન પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.