'ન હું કચ્છને છોડી શકું, ન કચ્છ મને છોડી શકે':ભુજમાં 150 કરોડના ખર્ચે આકાર પામેલી 200 બેડની કેકે હોસ્પિટલનું PM મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું

ભુજએક મહિનો પહેલા
 • આ હોસ્પિટલ દ્વારા ગરીબ અને તમામ વર્ગના લોકોને સારી અને સસ્તી સારવાર મળી રહેશે
 • વડાપ્રધાન મોદીએ સ્વાસ્થ્ય, પાણી અને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો
 • સંકલ્પ પૂરો કરનારા લેવા પટેલ સમાજ અને શ્રેષ્ઠીઓને અભિનંદન
 • બે દાયકા અગાઉ 9 મેડિકલ કોલેજ હતી, આજે ત્રણ ડઝન
 • 1 કરોડથી વધુ દાન આપનારા દાતાઓનું CMના હસ્તે સન્માન
 • આર્થિક અને સામાજિક વિકાસમાં આરોગ્યની ભૂમિકા મહત્વની

ભુજના મુન્દ્રા રોડ પર આવેલા શનિ મંદિર નજીક અંદાજિત 150 કરોડના ખર્ચે આકાર પામેલી 200 બેડની કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને જિલ્લાના પદાધિકારીઓ, દાતા પરિવાર, સ્વામિનારાયણ મંદિરના સંતો અને લોકોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મોદીએ કચ્છી ભાષામાં જનસમૂહના હાલચાલ પૂછ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શુભેચ્છા સંદેશની શરૂઆત જય સ્વામિનારાયણ બોલીને કચ્છી ભાષામાં 'કિ આઈ યો " એમ પૂછીને જનસમૂહના હાલચાલ પૂછ્યા હતા. તેમણે કચ્છી લેવા પટેલ સમાજ, હોસ્પિટલના દાતા પરિવાર અને ટ્રસ્ટીમંડળને પણ આ સેવાકાર્ય બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે કચ્છની એક વિશેષતા છે કે તમે ગમે ત્યાં જાઓ અને ગમે તેને મળો, તમે ખાલી કચ્છી કહો એટલે પછી કોઈ તમને પૂછે નહિ કે તમે કયા ગામના છો કે કયા વિસ્તારના છો, તમે તરત ત્યાંના થઈ જાઓ. હવે કચ્છનો ક, કર્તૃત્વના ક તરીકે ઓળખાય એવી રીતે તમે પગલાં ભરી રહ્યા છો. કોઈને પણ જ્યારે મુસીબતના સમયે આપણે મળ્યા હોય ત્યારે તેની સાથેનો નાતો એકદમ અતૂટ બની જતો હોય છે. કચ્છમાં ભૂકંપના સમયે જે સ્થિતિ હતી એ પરિસ્થિતિમાં મારો તમારી સાથે એક અતૂટ નાતો જોડાઈ ગયો હતો. એનું જ પરિણામ છે કે ના હું કચ્છ છોડી શકું કે ના કચ્છ મને છોડી શકે.

દર્દીઓને અમદાવાદ કે રાજકોટ સુધી ધક્કા નહીં ખાવા પડે
કચ્છની જનતાને વર્ષોથી જેની પ્રતીક્ષા હતી એ અદ્યતન આરોગ્ય સુવિધા હવે ભુજ ખાતે ઉપલબ્ધ બની છે, જેનો સીધો ફાયદો ગંભીર બીમારી વખતે બહાર જતા દર્દીઓને સ્થાનિકે મળી રહેશે. તાકીદના સમયે દર્દીઓને અમદાવાદ અને રાજકોટ સુધી ધક્કા ખાવા પડતા હતા, જેમાં હવે રાહત મળશે. અમદાવાદની સિમ્સ હોસ્પિટલના સંચાલન હેઠળ આ હોસ્પિટલ કચ્છની આરોગ્ય સેવામાં પ્રથમ સુવિધા સાબિત થશે, એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

જિલ્લા મથક ભુજ પાસે આકાર પામેલી કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તક્તિનું વર્ચ્યુઅલી અનાવરણ કરી હોસ્પિટલની તમામને શુભેચ્છા પાઠવી હતી.

હોસ્પિટલ દ્વારા તમામને સારી અને સસ્તી સારવાર મળી રહેશે
તેમણે જણાવ્યું હતું કે કચ્છ અને તેના લોકો ભૂકંપની તબાહીને પાછળ મૂકી પરિશ્રમ દ્વારા આ ક્ષેત્રનું નવું ભાગ્ય લખી રહ્યા છે, જેના ભાગરૂપે કચ્છને પ્રથમ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મળી છે. એ બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 200 બેડની આ હોસ્પિટલ દ્વારા ગરીબ અને તમામ વર્ગના લોકોને સારી અને સસ્તી સારવાર મળી રહેશે.

આગામી 10 વર્ષમાં દેશને રેકોર્ડ સ્તરે નવા ડોક્ટરો મળેશેઃ મોદી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સારી આરોગ્ય સુવિધાઓ માત્રા બીમારીના ઈલાજ સુધી જ સીમિત નથી હોતી, એ સામાજિક ન્યાયને પ્રોત્સાહિત કરે છે. જ્યારે કોઈ ગરીબને સસ્તો અને ઉત્તમ ઈલાજ મળે છે ત્યારે તેનો વ્યવસ્થા પર ભરોસો વધુ મજબૂત થાય છે. દેશમાં આજે ઘણી એઈમ્સ સાથે અનેક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દેશના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજના નિર્માણનું લક્ષ્ય હોય કે પછી મેડિકલ એજ્યુકેશનમાં બધાની પહોંચ રાખવાનો પ્રયાસ એનાથી આગામી 10 વર્ષમાં દેશને રેકોર્ડ સ્તરે નવા ડોક્ટરો મળેશે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા, આયુષ્યમાન ભારત યોજના શરૂ થતાં તેનો લાખો લોકો લાભ લઈ રહ્યા છે. આયુષ્યમાન હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત વધુ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નિર્માણ થશે.

ગુજરાતની વાત કરીએ તો સમગ્ર વિશ્વ હાલ ગુજરાતની નોંધ લઈ રહ્યું છે. અહીં 10 વર્ષ પહેલાં 9 મેડિકલ કોલેજ હતી અને ડૉક્ટર બનવા 1100 બેઠક હતી, જે હવે ત્રણ ડઝનથી વધુ એઇમ્સ હોસ્પિટલ છે, જેમાં 6 હજાર ડોક્ટર બનવાની વ્યવસ્થા મળી રહી છે. અમદાવાદ અને રાજકોટમાં એઇમ્સ તૈયાર થઈ ગઈ છે તો જામનગરમાં એનું કાર્ય પૂરું થવા પર છે.

નીરોગી જીવન માટે યોગ કસરત કરતાં રહેવા આહવાન કર્યું
વિશેષમાં તેમણે લોકોને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પાણી જાળવવા અંગે જાગૃતિ દાખવવા અનુરોધ કર્યો હતો. જંક ફૂડ ટાળવા અને નીરોગી જીવન માટે યોગ કસરત કરતા રહેવા આહવાન કર્યું હતું. કચ્છના બહાર વસતા લોકોને કચ્છના રણમાં ફરવા જવા માટે વિદેશી લોકોને માહિતી પહોંચાડવા પણ કહ્યું હતું. ખાસ તેમણે કચ્છનાં વખાણ કરતાં કહ્યું હતું કે હવે તો અહીં શું નથી? એક સમય હતો, જ્યારે અહીંનું બાળક જન્મ બાદ 5 વર્ષ સુધી વરસાદ કેવો હોય એ જાણતું નહોતું, આજે કચ્છ હરિયાળું બની ગયું છે. જીરુંના વાવેતર સાથે કમલમ ફ્રૂટ અને કચ્છ ખારેક તથા કેરી વિદેશમાં મોકલાય છે.

હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ વિનોદ ચાવડા, વિધાનસભા અધ્યક્ષા નીમાબેન આચાર્ય, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાજ્ય મંત્રી વાસણ આહીર, જિલ્લા ભજપ પ્રમુખ કેશુ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા , ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠકકર, ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન દાસ સ્વામી, જાદવજી ભગત, હોસ્પિટલના મુખ્ય દાતા પરિવારના ટ્રસ્ટી ગોવિદ ગોરસિયા અને સંતો મહંતો તથા 3 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્યમંત્રીએ ભુજ ખાતે 36 આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી
​​​​​​​રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ 36 આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિવિધ ગ્રાન્ટો પૈકી 15માં નાણાપંચની રૂ.3.02કરોડની 21, રૂ.1 કરોડની ડીએમએફ ગ્રાન્ટની 7, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી રૂ.85.81 લાખની પાંચ અને અબડાસા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1 થઇને રૂ.43.15 લાખની 3 આરોગ્ય એમ્બ્યુલન્સ થઇ કુલ 36 એમ્બ્યુલન્સ રૂ.5.31 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી છે. વિસ્તારની દષ્ટિએ હરિયાણા અને કેરળ જેવા રાજયથી પણ મોટા એવા કચ્છ જિલ્લામાં વિશાળ અંતરના કારણે આ એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા પુરી પાડવામાં અગત્યનું સાધન બનશે.

આ છે સન્માનીય સેવાના ભેખધારી દાતાઓ
સમાજની મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સવા બે કિલોની ચાંદીની તલવાર તેમજ સ્વામીનારાયણના સાંખ્યયોગિની બહેનો દ્વારા વડાપ્રધાનના માતા હીરાબેન માટે સાડી કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને આપી હતી. લેવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાને પણ ચાંદીની તલવાર, મોમેન્ટો, શાલ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે દાતા સર્વઓને હોસ્પિટલના નામકરણ દાતા કે.કે.પટેલ પરિવારનું, હસમુખભાઈ કાનજી ભુડિયા, શામજીભાઇ દબાસીયા, દીપેશભાઈ શ્રોફ, વેલજી ઝીણા ગોરસીયા, શશીકાંતભાઈ વેકરીયા, ધનજીભાઈ કરશન વરસાણી, રવજીભાઈ ગોવિંદ વરસાણી, લક્ષ્મણભાઇ ભીમજી રાઘવાણી, નારાણભાઈ કેરાઈ, કલ્યાણભાઈ રવજી વેકરીયા, વેલજીભાઈ પિંડોરીયા, કાનજીભાઈ ભીમજી રાઘવાણી, કરશનભાઈ રવજી મનજી કારા, કે.કે. જેસાણી, કેશરાભાઈ વિશ્રામ ભુડિયા, હરસુખભાઈ ગોવિંદજી ઠક્કર જેવા અગ્રણીઓનું સન્માન કરાયું હતું.

મોદીએ વધુ એકવાર ભૂપેન્દ્ર પટેલની આગેવાનીનો સંકેત આપ્યો
હોસ્પિટલ લોકાર્પણ પ્રસંગે દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ સમયે વાત કરતા વડા પ્રધાને ફરીથી બે વખત ભૂપેન્દ્ર પટેલની સરકાર અને તેની ટીમ પર વિશ્વાસ મૂક્યો હોય તેવો સંકેત આપ્યો હતો. વર્ષાંત સુધી ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે તેમણે મુખ્યમંત્રીને મૃદુ અને મક્કમ કહ્યા હતા તો ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ પ્રગતિની વાત કરી હતી. જેથી તેમને કેન્દ્ર કક્ષાએ પણ ટેકો હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચાયું હતું.

કચ્છીઓ પાસેથી આ ચાર વચન માંગ્યા વડાપ્રધાને

 • કચ્છ બહાર વસતા દરેક કચ્છી પરિવાર દર વર્ષે પાંચ વિદેશીને કચ્છ રણોત્સવમાં લઈ આવવાનો સંકલ્પ કરે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત કરાવે.
 • કચ્છમાં પુરતા પ્રમાણમાં પાણીની અને ઘાસચારાની વ્યવસ્થા થઇ છે, ત્યારે માલધારી સમાજને પશુઓને લઇને કચ્છમાંથી હિજરાત ન કરવા અને બાળકોને શાળાએ મોકલા અનુરોધ કરે.
 • ભારતભરમાં વસતા કચ્છીઓને સમગ્ર જિલ્લામાં 75 જેટલા વિશાળ તળાવો બનાવવા આગળ આવે.
 • આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છીઓ મહતમ સંખ્યામાં જોડાઈ વર્લ્ડ રેકોર્ડ બનાવે.

કાર્યક્રમની હાઇલાઇટ

 • કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ હોસ્પિટલના વિવિધ 19 વિભાગ ખુલ્લા મુખ્યા.
 • આરોગ્ય માટે આ વર્ષે બજેટમાં 12240 કરોડ રૂપિયાની ફાળવણી કર્યાનું મુખ્યમંત્રીએ કહ્યું.
 • કચ્છના ગ્રામીણ વિસ્તાર માટે 36 આરોગ્ય એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી.
 • 100 એમ્બ્યુલન્સ અને 10 મોબાઇલ સંજીવની સેવા માટે રૂપિયા 22 કરોડની જોગવાઇ કરાઇ છે.
 • ગરીબ અને મધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના વેગવાન બનાવવા અહવાન.

મોદીએ સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાઓને પ્રસંશાના પુષ્પો અર્પણ કર્યા
હોસ્પિટલના નિર્માણમાં કરોડોનો દાન આપનાર દાતાઓ તેમજ મુખ્ય ભૂમિકામાં રહેનાર ગોપાલ માવજીભાઇ ગોરસિયાને વારંવાર યાદ કરી મોદીએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...