સમસ્યા:પીજીવીસીએલ બાકી લેણા વસુલવા આવી, પણ ચેક લખનાર કોઈ ન હતું !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના અેકાઉન્ટ અોફિસર રજામાં જતા ચૂકવણાની સમસ્યા સર્જાઈ
  • ​​​​​​​વૈકલ્પિક કાયમી કર્મચારીને ચાર્જ સોંપાતો ન હોઈ વહીવટ અટક્યો

ભુજ નગરપાલિકામાં પૂર્ણકાલિન અેકાઉન્ટ અોફિસર રજામાં જાય ત્યારે ભુજ નગરપાલિકાના કાયમી કર્મચારીને જ ચાર્જ સોંપાતો ન હોઈ ચૂકવણાની વહીવટી પ્રક્રિયા અટકી જતી હોય છે. હાલ અેકાઉન્ટ અોફિસર રજામાં ગયા અને પી.જી.વી.સી.અેલ.ની ટીમ બાકી વીજ લેણા વસુલવા અાવી ત્યારે ચૂકવણાની સમસ્યા સર્જાઈ હતી, જેથી શાસક પક્ષના નગરસેવકો અને પદાધિકારીઅોઅે ઉચ્ચ સ્તરે રજુઅાત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પૂર્ણકાલિન મુખ્ય અધિકારી રજામાં જાય અથવા બદલી થાય ત્યારે અેકાઉન્ટ અોફિસર પણ રજામાં હોય છે, જેથી અચાનક અને તાત્કાલિક ચૂકવણા અટકી જતા હોય છે. હાલ પૂર્ણકાલિન મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા 6ઠ્ઠીથી 27મી ડિસેમ્બર સુધી 22 દિવસની રજામાં ગયા અને ત્યારબાદ અેકાઉન્ટ અોફિસર પણ 13મીથી 21મી ડિસેમ્બર સુધી હક્ક રજામાં ઉતરી ગયા. સૂત્રોનું માનીઅે તો ઈનચાર્જ સી.અો. જીગર પટેલને જાણ કરી ન હતી, જેથી તેમણે અેકાઉન્ટ અોફિસરને ખુલાસો માંગતી નોટિસ ફટકારી હતી.

અે દરમિયાન તેમણે અેકાઉન્ટ અોફિસની કામગીરી અટકે નહીં અેટલે ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાને વધારાનો હવાલો સોંપવાનો નિર્ણય લીધો. પરંતુ, અચાનક પ્રાદેશિક કમિશનરે ઈનચાર્જ મુખ્ય અધિકારી પાસે વધારાનો ચાર્જ લઈ લેતો અને માંડવી નગરપાલિકાના અેકાઉન્ટન્ટ પ્રવિણ અાર. સુથારને વધારો ચાર્જ સોંપ્યો. અામ, હવે ફરીથી સહી સહિતના નમૂના લેવા અને ચૂકવણા સમયે માંડવી નગરપાલિકા સુધી લાંબા થવાનો વખત અાવ્યો છે.

કેમ કે, પૂર્ણકાલિન અેકાઉન્ટ અોફિસર જે ચેકોમાં સહી કરી ગયા હતા અે ટેકનિકલ ગૂંચને કારણે રદ થઈ ગયા છે. જે ચૂકવણા કરવા માટે લાંબો સમય વીતી જશે અને બીજી બાજુ બેંકોમાં ગુરુવારથી હડતાળ શરૂ થઈ ગઈ છે, જેથી તમામ ચૂકવણા પણ અટકી જશે.

અન્ય સમાચારો પણ છે...