ભારતની સાથે હાલ પાડોશી પાકિસ્તાનમાં પણ રેકોર્ડ બ્રેક ગરમી છે. પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પારો 48 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. કચ્છને અડીને આવેલા સિંધના થરપારકર અને બદિન વિસ્તારોમાં રેકોર્ડબ્રેક ગરમીના લીધે લોકોની હાલત ખરાબ છે. તેવામાં આ વિસ્તારોમાં હવે ઉપરા-ઉપરી આગના બનાવો બની રહ્યા છે. કચ્છ સરહદની બિલકુલ પાસે આવેલા બદિન તાલુકામાં હાલમાં જ આગના બે બનાવોમાં 40 મકાનો સંપૂર્ણ બળી ગયા છે. પાણીની તંગીના લીધે લોકો આગ પર સમયસર કાબુ પણ મેળવી શકતા નથી.
મળતી વિગતો મુજબ બદિનમાં શુક્રવારે આગની બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 40 મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. લુનવારી શરીફ નગરના મીર વિસ્તારમાં લગભગ 35 ઘરો અને અન્ય બાંધકામો રાખ થઈ ગયા હતા. ઘરોમાં ફાટી નીકળેલી આગે વિસ્તારના સમગ્ર ભાગને લપેટમાં લીધો હતો, જેના કારણે 10 પશુઓ અને રહેવાસીઓની તમામ કિંમતી વસ્તુઓ સંપૂર્ણપણે નાશ પામી હતી.
અલ્લાહ દીનો સુમરો ગામમાં આગની અન્ય એક ઘટનામાં 5 ઘર બળીને ખાખ થઈ ગયા હતા. ભયંકર આગથી લોકોના ઘરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. જેના પગલે આગનો ભોગ બનેલા લોકો નીચે જમીન અને ઉપર આકાશ એમ ઘર વગરના થઇ ગયા છે. આ બે ગામોમાં બાદિન શહેરમાંથી મોકલવામાં આવેલા ફાયર ટેન્ડરો દ્વારા વિનાશક આગને કાબૂમાં લેવામાં આવી હતી.
બદિનના ડેપ્યુટી કમિશનર આગા શાહ નવાઝે અધિકારીઓ અને બદીનના સ્થાનિક એમપીએ હાજી તાજ મોહમ્મદ મલ્લાહ સાથે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. અને રાહત સામગ્રીનું વિતરણ કર્યું. તંત્ર ખાતરી આપી રહ્યું છે કે અસરગ્રસ્ત લોકોને તેમના નુકસાનના યોગ્ય સર્વેક્ષણ પછી તેમના પુનર્વસન માટે મંજૂર કરવામાં આવેલી પૂરતી રકમ મળશે.
હિન્દુઓની વસતી આ વિસ્તારોમાં વધારે
નોંધનીય છે કે થરપારકર અને બદિનના આ વિસ્તારોમાં હિન્દુઓની પણ નોંધપાત્ર વસતી છે. પરંતુ પાકિસ્તાનમાં લઘુમતીઓના હિતોની રક્ષા ન થતી હોવાથી અહીં તેઓ અનેક મુશ્કેલીનો સામનો કરે છે. આજે પણ અહીં વ્યાપક ગરીબી છે. માળખાગત સુવિધાઓનો અભાવ છે. છેલ્લા થોડા વર્ષોથી ચીની કંપનીઓની ગતિવિધિઓ વધી હોવાથી રોડ સહિતની સુવિધાઓ વધારાઇ છે.
ઉપરા-ઉપરી ઘટનાઓ કારણ ગરમી કે બીજું કઇ ?
કચ્છને અડીને આવેલા વિસ્તારોમાં તથા સિંધના અન્ય ગામોમાં છેલ્લા એક માસમાં આગના ઉપરા-ઉપરી બનાવો બન્યા છે. જેમા કેટલાક બનાવોમાં તો લોકોના મોત થયા છે. ઉનાળામાં દર વર્ષે અહીં આવી રીતે આગના બનાવો બને છે. ચાલુ વર્ષે વધારે માત્રામાં બનાવો બની રહ્યા છે. આગ પાછળના કારણો અંગે અનેક અટકળો લગાવાઇ છે. આમ તો ગરમીના લીધે આગ લાગી હોવાની સંભાવના છે. જોકે ભુતકાળમાં અનેક સ્થાનિક મનદુ:ખમાં ભુંગાઓમાં આગ લગાવાના બનાવો પણ બન્યા છે.
સામેપાર કચ્છ જેવા જ ભુંગામાં લોકો રહે છે !
કચ્છ અને સિંધની સંસ્કૃતિમાં અનેક સામ્યતા છે. કચ્છના વિશ્વ વિખ્યાત ભુંગા સામેપાર સિંધમાં પણ જોવા મળે છે. સિંધના રણ વિસ્તારમાં લોકો આવા ભુંગામાં જ રહે છે. તો અન્ય લોકો લાકડા અને તાડપત્રીના કાચા ભુંગા બનાવે છે. જેના પગલે આગ ઝડપથી ફેલાય છે. એક ભુંગામાં આગ લાગ્યા બાદ અન્ય મકાનોને પણ લપેટમાં લે છે. પાણીની તંગી હોવાથી આગ પર કાબુ મેળવી શકાતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.