ગ્રામપંચાચત ચૂંટણી:નખત્રાણાના ખાંભલા ગામના લોકો મતદાન મથકના અભાવે 5 કિમી દૂર મથલ ગામે પગપાળા ચાલીને મતદાન કરવા પહોંચ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ પૂર્વે પ્રાંત અધિકારીને મતદાન મથક આપવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું

રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે. ત્યારે નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે 310 મતદારો હોવા છતાં આ વખતે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક ફાળવવામાં આવ્યું નથી. જેને લઈ લોકોને મત આપવા 5 કિલોમીટર દૂર મથલ ગામે જવાની ફરજ પડી હતી.

ગ્રામજનોના જણાવ્યાં મુજબ ત્રણ દિવસ પૂર્વે મતદાન મથક મળવા માટે નખત્રાણા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. તેમ છતાં મતદાન બૂથ ગામને ના મળતા ગામલોકોને 5 કિ.મી દુર મથલ ગામ સુધી મતદાન કરવા જવુ પડ્યું છે. તેમજ ત્યા જવા માટે કોઈ વાહન વ્યવસ્થા ના થતા ચાલીને જવાની ફરજ પડી છે.

ગામના પ્રતાપસિંહ સોઢાએ જણાવ્યું કે, લોકશાહીના અસ્તિત્વ માટે યોજાતી પંચાયતથી લઈ લોકસભાની ચૂંટણીમાં મતદાન બાદ જાહેર થતા પરિણામો દરમિયાન ઉમેદવાર માટે એક મત પણ હારનું કારણ બની હોવાની ઘટના ઇતિહાસમાં નોંધાયેલી છે. ત્યારે આજે યોજાઈ રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં કોઈ સાચો ઉમેદવાર સરપંચ પદથી દૂર ના રહી જાય તેવી ભાવના સાથે નખત્રાણા તાલુકાના ખાંભલા ગામના લોકો મતદાન મથકના અભાવે ગામથી 5 કિલોમીટર દૂર મથલ ગામે પગપાળા પહોંચી મતદાન કરી રહ્યા છે.

વધુમાં જણાવ્યું કે, મતદાન માટે વહીવટી તંત્ર સમક્ષ લેખિત રજુઆત બાદ પણ તે વિશેની વ્યવસ્થા ના થતા હવે લોકોને મતદાન કરવા દૂર સુધી ચાલીને જવાની ફરજ પડી છે. લોકશાહીના પર્વની સાચી ગરીમાં અને મહત્વ દર્શવતા ગ્રામજનો પ્રત્યે લોકોમાં આદરભાવ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...