કાનૂની સેવા જાગૃતિ કાર્યક્રમ:લોકો પોતાના અધિકારો માટે જાગૃત બને : સુપ્રિમ કોર્ટ જસ્ટિસ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નાલસા યોજના અંતર્ગત બાળકો, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, ગેરકાયદે માનવ વેપાર, યોનશોષણ અને નશા પીડિતોને કાનૂની સેવાઓ અને નશા નાબુદી માટે નાલસા અભિયાનમાં રાષ્ટ્રીય સ્તરે ચાલતા કાનૂની સેવા અને જાગૃતિ કેળવણી કાર્યક્રમ અંતર્ગત ભુજમાં યોજાયેલા કાર્યક્રમમાં દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, લોકોમાં પોતાના અધિકારોની જાણકારી આવે તે અતિ આવશ્યક છે.

સુપ્રીમકોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, નાગરિકોમાં પોતાના અધિકારો અને હક્કોની જાણકારી મળે અને તેનો ઉપયોગ કરવાની જાગૃતિ કેળવાય તે આ કાર્યક્રમનો ઉદ્દેશ છે. છેવાડાના લોકોને ન્યાયની જાણકારી પહોંચાડવાના આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સમાન ન્યાય, મહિલા સશક્તિકરણ અને માનસિક દિવ્યાંગોને સામાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસો પણ કરાશે.

સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એમ.આર.શાહે અતિથિ પદેથી જણાવ્યું હતું કે, પ્રજા પોતાના અધિકાર, કાયદા, યોજનાઓ, મળતા લાભો અને કાયદાકીય સેવા અંગે માહિતગાર થઈ તેનો ઉપયોગ કરે. મફત કાનૂની સહાય અને સેવાઓથી સૌ માહિતગાર થાય તે માટેનો આ પ્રયત્ન છે. ન્યાયલય તમારે આંગણે આવી જરૂરતમંદોને ન્યાય માટે જાગૃત કરે છે. વધુમાં વધુ લોકો આનો ઉપયોગ કરી કાયદાનો લાભ લે એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમારે કહ્યું હતું કે, “ ન્યાયથી વંચિતોના ઘર સુધી ન્યાય પહોંચાડવાનો નિર્ધાર છે. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ રાજ્યના 29 જિલ્લામાં બીજી ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી અભિયાન ચલાવાશે જેને આવકાર મળી રહ્યો છે.

હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના એક્ઝિક્યુટિવ અધ્યક્ષ આર.એમ.છાયાએ સર્વને સમાન ન્યાયના અધિકારની જાગૃતિ સાથે છેડાયેલી ઝુંબેશમાં 3 કરોડથી વધુ લોકોનો ડોર ટુ ડોર સંપર્ક કરાયો છે તેમ કહ્યું હતું. ન્યાયમૂર્તિ ઉમેશ ત્રિવેદીએ કાનૂની જાગૃતિ ફેલાવવાના આશયને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે તે વાતે સૂર પૂરાવ્યો હતો. આરંભે હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટીના ચેરપર્સન સોનિયાબેન ગોકાણીએ ઉપસ્થિતોએ આવકાર્યા હતા.

કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલ અને સૌરભસિંઘ, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, કચ્છ યુનિ.ના વાઇસ ચાન્સેલર જયરાજસિંહ જાડેજા, મામલતદાર ચંદ્રવદન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ એચ.એસ.મુલિયાએ કરી હતી.

પુસ્તક વિમોચન અને અનાજ કિટનું વિતરણ કરાયું
આ તકે ‘પોક્સો’ કાયદાની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક સ્વસ્થતા કેળવાયેલા પાંચ લાભાર્થીઓને સ્વગૃહે પરત કરવા શ્રદ્ધા ફાઉન્ડેશનને સોપાયા હતા. ‘નાલસા’ની અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સહાય પૈકી 1600 અગરિયા પરિવારોને અનાજ કીટ અપાઇ છે. જેના પ્રતિક રૂપે પાંચ લાભાર્થીને અનાજકીટ અપાઇ હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને રોટરી ક્લબ ફ્લેમિંગો સાથે રહી કુપોષિત બાળકોને પોષણકીટ અપાઇ હતી. તેમજ સેક્સ્યુઅલ એસોલ્ટના ગુનાનો ભોગ બનેલ મહિલાઓને કોમ્પેન્સેશન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...