તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:નખત્રાણા તાલુકામાં મોરના ભોગે થતો ઔદ્યોગિક ‘વિકાસ’

મોરઝર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવનચક્કીથી વર્ષમાં 14 રાષ્ટ્રીય પક્ષી મોતના ખપ્પરમાં હોમાયા

કચ્છના બારડોલી તરીકે ઓળખાતા નખત્રાણા તાલુકામાં ઔદ્યોગિક ‘વિકાસ’ના નામે ઉભી કરાતી પવનચક્કીઓ દ્વારા નિયમો નેવે મૂકાતાં રાષ્ટ્રીય પક્ષી મોર મોતના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. વર્ષમાં સત્તાવાર 14 રાષ્ટ્રીય પક્ષીના મોત પવનચક્કીના વીજતારના લીધે થયા છે. જો પવનચક્કી સંબંધિત ઔદ્યોગિક એકમો શરૂઆતથી જ થયેલા કરાર મુજબ કામગીરી કરે તો રાષ્ટ્રીય પક્ષી મોર, ચકલી, કાગડો સહિત અનેક પક્ષીના મોત અટકાવી શકાય છે. કચ્છમાં રોહા પંથકમાં વધુ સંખ્યામાં મોર મોતને ભેટ્યા છે. રાષ્ટ્રીય પક્ષીને કાયદાથી રક્ષિત કરાયું છે. મોરની હત્યા, શિકાર કરવો એ કાયદાકીય રીતે ગુન્હો છે. વધુમાં અકસ્માતે મોરનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં પણ જવાબદાર વ્યક્તિ સામે ગુન્હો દાખલ થઇ શકે છે અને જવાબદાર વ્યક્તિને ઓછામાં ઓછી 3 અને વધુમાં વધુ 7 વર્ષની સજાની જોગવાઇ છે.

પવનચક્કીઓ દ્વારા કરાર મુજબ શરતોનું પાલન નહીં કરાય તો આગામી સમયમાં કચ્છમાંથી રાષ્ટ્રીય પક્ષી નામશેષ થઇ જશે તેવી ભીતિ સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. નખત્રાણા તાલુકાની ગ્રામપંચાયતો એ ખરા અર્થમાં સક્રીયતા બતાવવાની જરૂર છે, જેથી વન્ય સંપદાનો સોથ અટકી શકે છે. સ્થાનિક પ્રજાએ પણ હવે કચ્છીયતને ઉજાગર કરી સામૂહિક રજૂઆત સાથે તંત્રના કાન આમળવા તાકીદે જરૂરી છે.

વર્ષ 2015ની ગણતરી મુજબ 5705 મોર
ડી.એફ.ઓ. ડો. તુષાર પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2015ની પક્ષી ગણતરી મુજબ ભુજ, માંડવી, અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં મોર પરિવારની 5705 સંખ્યા હતી, જેમાં ઢેલ અને બચ્ચાનો પણ સમાવેશ થાય છે. નખત્રાણા તાલુકામાં 1244 મોર પરિવાર હોવાનું જણાવી, વિશેષમાં કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં 14 મોરના મૃત્યુ થયા છે. મોટાભાગે વીજતારમાં અથડાવાથી જ મોરના મોત થયા છે.

રાષ્ટ્રીય પક્ષીના મોતના કિસ્સામાં થતી કાર્યવાહી
ડો. પટેલે કહ્યું હતું કે, રાષ્ટ્રીય પક્ષીના મોતની ઘટના મહેસૂલ વિસ્તારમાં બની હોય તો સંબંધિત વિભાગને જાણ કરાય છે અને સંબંધિત કંપનીને બર્ડ રિફલેક્ટર લગાડવાની સુચના અપાય છે. જો ઘટના વન વિભાગની હદમાં બની હોય તો એફ.આઇ.આર. નોંધી કાર્યવાહી કરાય છે. જો એક પછી એક મોરના મૃત્યુના કિસ્સા ધ્યાનમાં આવે તો વીજતાર અન્ડરગ્રાઉન્ડ કરવાની દરખાસ્ત કલેક્ટરને કરી કંપનીને વીજલાઇન અન્ડરગ્રાઉન્ડ કરવા ફરજ પડાય.

માત્ર સરકારી જમીન પર 165 પવનચક્કી
તાલુકામાં જુદી-જુદી વિન્ડફાર્મ કંપનીઓની પવનચક્કીઓની સંખ્યા પર પ્રકાશ પાડતા મામલતદાર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારની માલિકીની જમીન પર 165 પવનચક્કી આવેલી છે. જો સરકારી જમીન પર આટલી સંખ્યામાં પવનચક્કી હોય તો ખાનગી માલિકીની જમીન પર તો તેનાથી પણ વધુ કાર્યરત હોવાનું ખુદ કંપની સંલગ્ન સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...