ભક્તિ:ભુજ આશાપુરા મંદિરે પણ પતરી ઝીલાઇ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહને માત્ર ત્રણ સેકન્ડમાં મા ના મળ્યા આશીર્વાદ
  • રાજાશાહી વખતથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવીને ભુજના આશાપુરા મંદિર ખાતે પણ પતરી વિધિ કરાઇ હતી અને માત્ર ત્રણ સેકન્ડમાં જ માતાજીના પતરી રૂપી આશીર્વાદ મળ્યા હતા.

રાજાશાહીની પરંપરા મુજબ ભુજ દરબાર ગઢ મધ્યે ટીલામેડીએ મોમાય માતાજીના આશીર્વાદ મેળવી ચામર પૂજા કરવામાં આવી. ત્યાંથી સવારે સાડા આઠ વાગ્યે ચામર સાથે રોહા જાગીરના પુષ્પેન્દ્રસિંહ તથા અગ્રણીઓ આશાપુરા મંદિરે આવ્યા હતા. ઢોલ અને શરણાઈના સૂર સાથે મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા હતા. જ્યાં માતાજીની આરતી અને પૂજન સાથે પતરી વિધિ શરૂ કરાઇ હતી. નવરાત્રી દરમ્યાન કચ્છમાં ભક્તો જે ઘડીની રાહ જોતા હોય છે તે અવસર આવી ગયો હતો.

આસો નવરાત્રીના આઠમા નોરતે ભુજ આશાપુરા મંદિર ખાતે ડાક અને ડમરુના તાલે રાજ પ્રતિનિધિએ મા સમક્ષ ખોળો પાથર્યો અને મા એ આશીર્વાદ સ્વરૂપે માત્ર ત્રીસ સેકન્ડમાં જ પ્રસાદ આપ્યો હતો. મહારાણી પ્રીતીદેવીના આદેશથી રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ પતરી વિધિ કરવામાં આવી હતી.

માતાજીના ખભા પર ટપકેશ્વરીમાંથી લાવેલ પતરી વનસ્પતિનો પ્રસાદ રાખવામાં આવે છે. પુષ્પેન્દ્રસિંહે માતાજી સમક્ષ ખોળો પાથર્યો અને ડાકના તાલે માતાજીના ખભા પર રહેલી પતરી ખોળામાં પડતા ઐતિહાસિક ક્ષણને જોઈ સૌ કોઈએ માતાજીના જયજયકાર બોલાવ્યા હતા.

માતાજી સાક્ષાત્કાર આશીર્વાદ આપે છે જેથી કચ્છનાં લોકોની સુખાકારી માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. આઠમના દિવસે આશાપુરા મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. જય માતાજી અને મા આશાપુરાના નાદથી સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...