મુસાફરોને હાલાકી:રાપર-પીપરાળા રૂટની એસટી બસમાં ડીઝલ ખૂટી પડતાં મુસાફરો કડકડતી ઠંડી વચ્ચે રઝળી પડ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોણા બે કલાક બાદ રાપર ડેપોથી બસ આવી, અડધા મુસાફર ખાનગી વાહનમાં નીકળી ગયા
  • ચૂંટણી માટે બસો વ્યવસ્થામાં મુકવામાં આવી હોવાથી બસોની ઘટ : ડેપો મેનેજર

રાજ્ય સાર્વજનિક ટ્રાન્સપોર્ટ દ્વારા મુસાફરોને આકર્ષવા હેતુ એસટી અમારી સલામત સવારીનું સૂત્ર આપવામાં ભલે આપવામાં આવ્યું હોય પણ એસટી બસોમાં સમયાંતરે કોઈને કોઈ સમસ્યાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યાં આજે શનિવારે વાગડના રાપર મથકેથી સવારે 8 વાગ્યે ઉપડેલી પીપરાળા રૂટની લોકલ એસટી બસ પ્રાગપર પાસે ડીઝલ ખૂટી પડતા અટવાઈ પડી હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરો રઝળી પડ્યા હતા અને પડી રહેલી કાતિલ ઠંડી વચ્ચે હાલાકી ભોગવવી પડી હોવાનું સામે આવ્યું છે.

રાપરથી સવારે આઠ વાગ્યે ઉપડતી પીપરાળા રૂટની એસટી બસમાં પ્રાગપર, ભીમાસર અને આડેસર સહિતના ગામના લોકો નિયમિત મુસાફરી કરતા હોય છે. ત્યારે આજે શનિવારે સવારે આ બસમાં પ્રાગપરથી નીકળતાં જ ડીઝલ ખૂટી પડવાના કારણે અટકી પડી હતી, જેથી મુસાફરો લટકી પડ્યા હતા. રાપરના દિપુભા જાડેજાના જણાવ્યા અનુસાર પ્રાગપર ગામથી આગળ બસ રસ્તા વચ્ચે ઉભી રહી જતા મુસાફરો સમયસર નિયત સ્થળે પહોંચી શક્યા નહોતા. બસના ચાલક અને કંડક્ટર દ્વારા અડધો કલાકની તપાસ બાદ બસમાં ડીઝલ જ ના હોવાનું જાણવા મળ્યું હતું. તેથી અટવાયેલા મુસાફરોએ કડકડતી ઠંડીનો સામનો કરવા તાપણું સળગાવી સમય પસાર કર્યો હતો. પરંતુ પોણા બે કલાક સુધી રાપર ડેપોથી કોઈ મદદ ના આવતા અમુક મુસાફરોએ ટીકીટ ભાડું જતું કરી હાથ લાગ્યા સાધન મેળવીને આગળ વધ્યા હતા. આ પ્રકારની સેવા બદલ મુસાફરોએ તંત્ર વિરૂદ્ધ નારાજગી પણ દર્શાવી હતી.

અલબત્ત રાપર એસટી બસ ડેપોના મેનેજર વિશાલ ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અહીંની બસો પણ વ્યવસ્થામાં મુકવામાં આવી હોવાના કારણે બસોની ઘટ છે, તેથી બીજી બસ મૂકી શકાઈ નહોતી. પીપરાળા રૂટની બસમાં એન્જીનમાં ખામી હતી તે માટે સાધન સામગ્રી સાથે સ્ટાફ મોકલી બસને નિયત સ્થળે રવાના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...