માંડવી તાલુકાના વાંઢ ગામે ઇલેકટ્રીક મોટરના જીવતા વાયરને સંપર્કમાં આવતાં પરિણીતાનું વીજ ઝટકા થકી સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યું હતું જ્યારે ભુજ તાલુકાના સામત્રા ગામેથી મકરસંક્રાંતિના દિવસે ગુમ થયેલા યુવાનની લાશ દસ દિવસ બાદ મોટા યક્ષ પાસે તળાવમાંથી મળી આવી હતી. પોલીસે મૃતક યુવકનું મોતનું કારણ જાણવા લાશને પીએમ માટે જામનગર મોકલાવી છે.
ગઢશીશા પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાના વાંઢ ગામે રહેતા યશોદાબેન રામજીભાઇ દનીચા (ઉ.વ.23) મંગળવારે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં વાસણ માંજી રહ્યા હતા. ત્યારે પાણીની મોટરના વાયરને અડી જતાં તેણીને ઇલેક્ટ્રીક કરંટ લાગ્યો હતો.
જેથી હતભાગીને તેમના પતિ રામજીભાઇ મીઠુભાઇ દનીયા ગઢશીશા ખાતેના સરકારી દવાખાનામાં લઇ જતાં જ્યાં હાજર પરના તબીબે યશોદાબેનને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોતના બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સામત્રા ગામે રહેતા 35 વર્ષીય ડાયાલાલ નથુભાઈ મહેશ્વરી નામનો યુવાન મકરસંક્રાંતિના દિવસે સવારે 6 વાગ્યાથી ગુમ થઇ ગયો હતો.
તેની શોધખોળ કર્યા છતાં પરિવારજનોને મળ્યો ન હતો. બાદમાં સોમવારે રાત્રે મોટા યક્ષ નજીક આવેલા ક્કડભીટ્ટ તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ મૃતકની લાશને પીએમ માટે જામનગર મોકલાવી છે.
ઘટના અંગે નખત્રાણા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર બી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, હતભાગી મૃતક યુવાન માનસિક અસ્થિર હોવાનું પરિવારજનોમાંથી પ્રાથમિક જાણવા મળ્યું છે. હાલ મૃતક યુવાનના દેહને જામનગર પરિક્ષણ માટે મોકલાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.