તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસંગ્રહ અને સંચયનો અનોખો યજ્ઞ:પાણીદાર લોકો કચ્છને બનાવી રહ્યા છે પાણીદાર

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં નકામા, જુના, ખાલી બોર કૂવા, ખેત તલાવડી રીચાર્જથી થઇ રહ્યા છે ભર્યા ભર્યા

જળસંગ્રહ અને સંચયનો અનોખો યજ્ઞ આરંભાયેલો છે કચ્છમાં. ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં સંગ્રહ કરી જીવસૃષ્ટિને હરિયાળી બનાવવી આ વિચાર સાથે કચ્છના ખેડૂતોએ વરસાદી પાણીના જળસંગ્રહની અનોખી કામગીરી છેલ્લા બે વર્ષથી આરંભેલી છે. જેમાં બિનઉપયોગી કૂવા, પાતાળકૂવા, ખેતતલાવડી અને બોરને પુનઃજીવીત કરી જળસંચય અને સંગ્રહની પ્રેરક કામગીરી ભુજ તાલુકાના પાંતિયા ગામના યુવકોએ ગત વર્ષ 6 જગ્યાએ જળસંચયના કામ કરીને બધાને ચકિત કરી દીધા હતા. પાંતિયા ગામ યુવક મંડળના યુવાનો અને ખેડૂતોએ વરસાદી પાણીને ગામમાં જ સંગ્રહ કરવા બિનઉપયોગી કૂવાઓ, પાતાળકૂવાને સાફ કરી તેમજ બોરને રીચાર્જ કરી પાઈપલાઇનના સીધા જોડાણથી વેડફાતા વરસાદી પાણીને સીધા જ કૂવા અને બોરમાં સંગ્રહિત કર્યા છે. જેનાથી ગામ, ખેડૂતો અને ગૃહિણીઓ પણ વરસાદી પાણીનો ઉપયોગ કરતા થયા છે.

બિદડાના પાટીદાર સમાજે પણ બોર રિચાર્જ અને ખેતતલાવડીમાં વરસાદી પાણી સંગ્રહથી સાકાર કર્યો છે. મુન્દ્રા તાલુકાના વાંકી ગામે રમેશભાઇ ગઢવીએ પોતાની વાડીના કૂવામાં ખેતરનું વરસાદી પાણી પાઈપલાઇનથી સીધુ ખેતર કૂવામાં ઉતાર્યુ છે. રામજીભાઇ અને હરિભાઇ લીંબાણીએ પણ ખેત બોર વરસાદી પાણીથી રીચાર્જ કર્યા છે. અંજારના રમેશભાઇ ચોટારાએ ખાલી પડતર બોરને પાઈપલાઇનથી જોડીને વરસાદી પાણીનો સંગ્રહ કર્યો છે. 8 વર્ષથી વાઘજી કાનજીભાઇ છાંગા પણ બેકાર બોરને વરસાદી પાણીથી સજીવ કરી ખેતીનો પાક લઇ રહયા છે. કોટડા ચકારમાં પરસોતમભાઇ જીવરાજની વાડીમાં ગામનું બધુ પાણી કૂવામાં જાય તેવી વ્યવસ્થા કરેલી છે. જયારે નિંગાળ ગામના દેવેન્દ્રભાઇ સોનીએ તો સવા લાખનો ખર્ચ કરીને 300 ફૂટ લાંબુ અને 15 ફૂટ પહોળી અને 10 ફૂટ ઉંડી કરેલી તલાવડીમાં નોંધનીય જળસંગ્રહ કર્યો છે.

અંજાર મોડસરના દેવજીભાઇ ગુજરીયા જણાવે છે કે પૂર્વ કચ્છમાં પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ સમિતિ દ્વારા બોર, કૂવા રીચાર્જની કામગીરી પણ થઇ છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આપાંખ સાથે 579 ઉપરાંત લોકો જોડાયા છે વર્ષ 2020માં 48 બોરને રીચાર્જ કરવામાં આવ્યા છે. પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ સમિતિ દ્વારા પૂર્વ કચ્છમાં મુન્દ્રા વિસ્તાર નરેન્દ્રસિંહ, અંજાર વિસ્તાર મયુરભાઇ, કોટડા ચકાર વિસ્તાર ઈશ્વરભાઇ અને રતનાલ વિસ્તારની રાધુભાઇ દ્વારા જળસંચય અને બોર-કૂવા રીચાર્જની કામગીરી કરવામાં રહી છે.

જળસંચયથી કચ્છમાં પાણીની ક્રાંતિ આવી શકે
કિસાન નેતા સામજીભાઇ મ્યાત્રા જણાવે છે કે, આ વિસ્તારમાં ભૂગર્ભ જળસંચય ખૂબ સરસ થાય એમ છે. રૂદ્રમાતા ડેમ ચોમાસામાં છલોછલ ભરાય છે અને ચોમાસાના આ પાણીનો સંગ્રહ કરવામાં બોર-કૂવા રીચાર્જની કામગીરીથી કચ્છ ચોમાસાના પાણીથી ભરેલું રહે એવા પ્રયત્નો છે.

અન્ય સમાચારો પણ છે...