પાકિસ્તાન સરકારનો નવો ફતવો:પાકિસ્તાનની ન્યૂઝ ચેનલો રોજ રાતે નવ વાગ્યે બે સેકન્ડ માટે સિરક્રીક-જુનાગઢને પોતાના નકશામાં બતાવશે!

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનનો વિવાદિત નકશો - Divya Bhaskar
પાકિસ્તાનનો વિવાદિત નકશો
  • નવા વિવાદીત નકશાને લોકોએ ગંભીરતાથી ન લેતા પાક. સરકારનો હવે નવો ફતવો
  • નવા નકશાને રાત્રે નવ વાગ્યે બે સેકન્ડ માટે બતાવવાની સુચનાની સોશિયલ મીડિયા પર મજાક અને મેમ્સ બન્યા

કાશ્મીરમાં 370ની કલમમાં ફેરફાર બાદ પાકિસ્તાને અનેક ધમપછાડા કર્યા છતાં વૈશ્વિક મંચ પર તેની વાત ચીન અને તુર્કિ સિવાય કોઇ મુસ્લિમ દેશ પણ સાંભળવા તૈયાર નથી. તેના પગલે પોતાના દેશની પ્રજા ગમે તેમ શાંત કરવા ગત વર્ષે ઓગસ્ટમાં પ્રધાનમંત્રી ઇમારાન ખાને કાશ્મીર, ગુજરાતના જુનાગઢ અને કચ્છની સિરક્રીકને સમાવતો એક કાલ્પનિક પાકિસ્તાની નકશો જાહેર કર્યો હતો. હવે આ રાજકીય નકશો પાકિસ્તાનની તમામ ન્યૂઝ ચેનલોને રાત્રે નવ વાગ્યે બે સેકન્ડ માટે દર્શાવવા ત્યાંની સરકારે સુચના આપી છે.

એક રીતે આ આદેશની મજાક પણ ઉડી રહી છે. તો આદેશ અંગે ત્યાંના કેટલાક મીડિયા સંસ્થાએ વિરોધ પણ કર્યો છે.આમ તો આ નકશો વાસ્તવિકતાથી જોજનો દૂર હોવાથી વૈશ્વિક રીતે નકશાને દુનિયાના બીજા દેશો તો ઠીક ખૂદ પાકિસ્તાનના લોકોએ પણ ગંભીરતાથી લીધો ન હતો. હવે પાકિસ્તાનની સરકારે આ નકશાને લોકો સુધી લઇ જવા એક ફતવો બહાર પાડ્યો છે. પાકિસ્તાની ટીવી ચેનલોએ હવે કાશ્મીરનો નવો નકશો બતાવવો પડશે. જેમાં ગુજરાતના જુનાગઢ અને કચ્છના સિરક્રીકનો પણ સમાવેશ થાય છે. અનેક લોકો આ નવા આદેશને સર્કસ કહી રહ્યા છે.

પાકિસ્તાનના નવા નકશાનું અનાવરણ વડા પ્રધાન ઈમરાન ખાને ગયા વર્ષે ઓગસ્ટમાં કલમ 370 નાબૂદીની પ્રથમ વર્ષગાંઠ પર કર્યું હતું. પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ દેશની તમામ ન્યૂઝ ચેનલોને રાત્રે 9 વાગ્યાના ન્યૂઝ બુલેટિન ચલાવતા પહેલા બે સેકન્ડ માટે પાકિસ્તાનનો રાજકીય નકશો બતાવવાનો આદેશ આપ્યો છે.નવા નકશામાં જમ્મુ અને કાશ્મીરનો સમગ્ર વિસ્તાર અને જૂનાગઢ અને કચ્છની સિરક્રીકને પાકિસ્તાનના પ્રદેશો તરીકે દર્શાવામાં આવ્યા છે.