આજે બુધવારે સવારે સવા અગિયાર કલાકે લખપતના હરામીનાળા વિસ્તારમાં આવેલી બોર્ડર પરન્સ પિલર નંબર 1158 નજીકથી BSFને પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની માછીમારી બોટ અને 3-4 પાકિસ્તાની માછીમારોની હિલચાલ નજરે પડી હતી. જેના પગલે BSF જવાનો પગપાળા અને તરીને ગટરને પાર કરી તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પરંતુ આ દરમિયાન પાકિસ્તાની માછીમારો BSFના પેટ્રોલિંગને તેમની તરફ આવતું જોઇ દલદલી વિસ્તારનો લાભ લઈને પાકિસ્તાની વિસ્તારમાં ભાગી ગયા હતા. જો કે BSF પેટ્રોલિંગે તેમનો પીછો કર્યો હતો અને બોર્ડર પિલર 1158 પાસે ભારતીય વિસ્તારમાં એક એન્જિન વિનાની પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી લીધી હતી.
આ વિશે સત્તાવાર માહિતી મુજબ જપ્ત કરાયેલી પાકિસ્તાની બોટની સલામતી દળ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત બોટમાંથી માછલી, માછીમારીની જાળ અને માછીમારીના સાધનો મળી આવ્યા હતા. આ સિવાય બોટમાંથી કંઈજ શંકાસ્પદ મળ્યું ન હતું. જો કે ઘટના બાદ આ વિસ્તારમાં તપાસ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
છેલ્લે 5 એપ્રિલના મળી આવી હતી બોટ
છેલ્લે 5 એપ્રિલના હરામીનાળા પાસેથી જ બીએસએફની ટીમને બિનવારસુ બોટ મળી આવી હતી ત્યારે હાલમાં મળી આવેલી માછીમારી બોટ કબ્જે કરી નારાયણ સરોવર પોલીસને બોટનો કબ્જો આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.