પાકિસ્તાનની ચહલપહલ વધી:પાકિસ્તાન આર્મી ચીફની કચ્છની સામેપાર નગરપારકરની અચાનક મુલાકાત

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરક્ષા જવાનો સાથે દિવસ વિતાવી સ્થાનિક હિંદુ સમુદાય સાથે મુલાકાત કરતા આશ્ચર્ય
  • ભારતને બદનામ કરવા કહ્યું પાકિસ્તાનમાં હિંદુઓ પણ સમાન નાગરિક, ઓપરેશનલ તૈયારી વિશે માહિતી અપાઇ

પાકિસ્તાનની મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોના અવાર-નવાર અપહરણની ઘટનાઓ અને ભારતીય જળસીમામાં પાકિસ્તાની માછીમારોની ઘુસણખોરીની વચ્ચે અચાનક પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ કચ્છની લગોલગ આવેલા સિંધના નગરપારકરની મુલાકાત લીધી હોવાનું બહાર આવ્યું છે. બાજવાએ કચ્છ અને રાજસ્થાન સીમાએ ફરજ બજાવતા પાકિસ્તાની રેન્જર્સ સાથે ચર્ચા કરવાની સાથે સ્થાનિક હિંદુ લોકો સાથે પણ વાતચીત કરી હતી. સાથોસાચ ભારતને બદનામ કરવા પાકિસ્તાનમાં હિંદુઓ પણ સમાન નાગરિક છે તેવા અર્થ વગરના નિવેદનો આપ્યા હતાં. આ તમામ ગતિવિધીઓ પર ભારતીય એજન્સીઓએ પણ ચાંપતી નજર રાખી હતી.

પાકિસ્તાની સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાએ તાજેતરમાં કચ્છની સામેપાર નજીક જ આવેલા નગરપારકરની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ભારતને નીચુ દેખાડવાની કોશિશ કરી હતી. એક બાજુ પાકિસ્તાનમાં હિંદુ મંદિરો પર અવાર-નવાર હુમલા થાય છે. તથા ત્યાં હિંદુઓ સાથે અત્યાચારના અવાર-નવાર બનાવો આવતા રહે છે. ખાસ કરીને સિંધમાં હિંદુ યુવતિઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણના બનાવો બનતા રહે છે. તેમ છતાં માત્ર ભારતને નીચું દેખાડવા બાજવાએ નગરપારકરમાં કહ્યું હતુ કે પાકિસ્તાનમાં લધુમતિ લોકો પણ સમાન નાગરિક છે અને તેમની સુરક્ષા કરવી રાજ્યનું કામ છે !

આ મુલાકાત અંગે પાકિસ્તાની ઇન્ટરસર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર)એ જણાવ્યું હતુ કે સેનાના વડાએ સિંધના થરપારકર જિલ્લાના નગરપારકરની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી વ્યક્ત કરી હતી, જ્યાં તેમણે સૈનિકો સાથે દિવસ વિતાવ્યો હતો અને સ્થાનિક કમાન્ડર દ્વારા રચનાની ઓપરેશનલ તૈયારી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સૈનિકો સાથે વાતચીત કરતી વખતે બાજવાએ સોંપાયેલા મિશનને પરિપૂર્ણ કરવા માટે તેમના મનોબળ અને પ્રેરણાની પ્રશંસા કરી. તેમણે તમામ સૈનિકોને તેમની વ્યવસાયિક જવાબદારીઓ અને કોઈપણ ઉભરતા પડકારનો સામનો કરવા અસરકારક પ્રતિભાવ માટે તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ પણ આપી હતી.

બાદમાં બાજવા સ્થાનિક હિન્દુ સમુદાયને પણ મળ્યા હતા. પાક આર્મી ચીફની સાથે કરાચી કોર્પ્સના કમાન્ડર અને ડાયરેક્ટર જનરલ પાકિસ્તાન રેન્જર્સ (સિંધ) પણ હાજર રહ્યા હતાં. અચાનક પાક આર્મી ચીફની કચ્છ બોર્ડર પાસેની મુલાકાત અનેક રીતે સુચક મનાઇ રહી છે. સામાન્ય રીતે કચ્છની આ બોર્ડર શાંત લેખાય છે. પરંતુ હાલના દિવસોમાં ચહલપહલ વધી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...