સમસ્યા:પાકિસ્તાને 8 નહીં 10 બોટ સાથે 56 માછીમારોનું કર્યુ હતું અપહરણ

નારાયણ સરોવરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાને 8 નહીં 10 બોટ સાથે 56 માછીમારોનું કર્યુ હતું અપહરણ

આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન મરીન સિક્યુરિટીના ઉધામા વધી ગયા છે અને મંગળ, બુધવારના 8 બોટ સાથે ભારતીય માછીમારોનું અપહરણ કરાયું હોવાના અહેવાલ સાપડ્યા હતા. જો કે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ ઘટના પ્રકાશ પાડતા શુક્રવારે જણાવ્યું હતું કે, હકીકતમાં 8 બોટ નહીં પરંતુ 10 બોટ સાથે 56 ભારતીય માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયું છે.

આંતરરાષ્ટ્રીય સરહદ આઇ.એમ.બી.એલ. પાસે પાક મરીન સિક્યુરિટીએ રીતસરનો આતંક મચાવ્યો છે અને ટપોટપ માછીમારી બોટો સાથે માણસોને બંદુકના નાડચે ઉપાડી જવાનું શરૂ કર્યું છે. મંગળ અને બુધવારના શરૂઆતમાં 8 બોટ સાથે ભારતીય માછીમારોના અપહરણના અહેવાલ સાપડ્યા હતા. જો કે શુક્રવારના સવારે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું અને 8 બોટ નહીં પરંતુ 10 બોટ સાથે 56 ભારતીય માછીમારોને પી.એમ.સી. ઉઠાવી ગઇ હોવાનું બહાર આવ્યું છે. જખૌ અને અન્ય બંદરની હજારોની સંખ્યામાં બોટો દરિયામાં માછીમારી માટે જાય છે તે તમામ બોટો પરત બંદરે આવ્યા બાદ ટોકન જમા કરાવે છે, જેના પરથી નક્કી થાય છે કે, માછીમારી માટે ગયેલી કુલ બોટોમાંથી હજુ કેટલી પરત નથી આવી. સૂત્રોનું માનીએ તો જખૌથી આઇ.એમ.બી.એલ. દુર છે અને ત્યાનો સંપર્ક કરી, પરિસ્થિતિનો તાગ મેળવવામાં સમય નીકળી જાય છે. ભારતીય એજન્સીઓએ શુક્રવારના સવારે 10 બોટ સાથે 56 માછીમારોનું અપહરણ કરાયું હોવાનું જણાવ્યું હતું. પાક મરીન સિક્યુરિટી આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે દાદાગીરી પર ઉતરી આવતાં આઇ.એમ.બી.એલ. ક્રોસ ન કરવા ભારતીય માછીમારોને તાકીદ કરાઇ છે. પાક મરીન સિક્યુરિટી આંતરરાષ્ટ્રીય જળ સીમા પાસે પડી પાથરી રહે છે.

અન્ય સમાચારો પણ છે...