આક્ષેપ:દુધઇ સીએચસીમાં ઓક્સિજન પ્લાન્ટની માત્ર જાહેરાત થઇ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાએ કર્યા વિવિધ આક્ષેપ

અંજાર તાલુકાના દુધઇમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટે ગ્રાન્ટ ફાળવવાની તત્કાલિન રાજ્યમંત્રીએ 7 માસ અગાઉ જાહેરાત કરી હતી પણ આજ સુધી આ દિશામાં કોઇ કાર્યવાહી કરાઇ નથી તેમ જણાવતાં જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાએ વિવિધ આક્ષેપો કર્યા હતા.

સીએચસીમાં ઓક્સિજન પ્લાન્ટ માટે ધારાસભ્ય વાસણભાઈ આહિર દ્વારા ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે તેવી જાહેરાત કરવાની સાથે પ્લાન્ટ તાત્કાલિક કાર્યરત થઇ જશે તેમ જણાવાયું હતું પણ સ્થળ મુલાકાત વખતે આ માટે કોઇ કાર્યવાહી થઇ ન હોવાનું જણાયું હતું. આમ ધારાસભ્યની જાહેરાત લોકોને છેતરવા સમાન છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણની કામગીરી બંધ છે તેવું બોર્ડ મરાયું જે ખુબ જ ગંભીર બાબત છે. કચ્છમાં ઝડપભેર કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે તાત્કાલિક ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવો તે લોકોના હિતમાં છે.

કચ્છ જીલ્લાની આરોગ્ય સેવાઓ સદંતર કથળેલી છે અને મોટાભાગની હોસ્પિટલોમાં ૫૦ % સ્ટાફ પણ નથી. કોરોના ટેસ્ટીંગની કીટો નથી. ઓમિક્રોન ઝડપી આગળ વધી રહ્યો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે યોગ્ય સુવિધાઓ ઉભી થાય તેની તકેદારી રાખવામા આવે તેમ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલે જણાવ્યું હતું. સીએચસીની મુલાકાત વેળાઅે જીલ્લા પંચાયતના સદસ્ય શંભુભાઈ ડાંગર પણ તેમની સાથે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...