તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Out Of A Total Of 30,999, 5,835 People Have Been Vaccinated So Far, However, Now With The Efforts Of The Government And The Society,

બન્નીમાં રસીની વાત હવે બની:ગેર માન્યતા દૂર કરવા લોકોને કચ્છીભાષા અને સ્થાનિક તબીબોની મદદથી રસી લેવા પ્રોત્સાહિત કરાયા

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 30,999 માંથી અત્યાર સુધી 5,835 લોકોએ મુકાવી છે રસી, જોકે, હવે સરકારી અને સમાજના પ્રયાસોથી ઝુંબેશમાં આવી ઝડપ
  • મસ્જિદોમાં અઝાન મારફતે રસી મૂકાવવા અનુરોધ કરાયો, હજયાત્રાએ જવા માટે રસી ફરજિયાત હોવાની પણ સમજ અપાઇ
  • આ પંથકમાં રસીકરણની અત્યાર સુધીની કામગીરી માત્ર 18.82 ટકા, પરંતુ સપ્તાહથી સ્થાનિકો આવ્યા આગળ

સરહદી કચ્છ જિલ્લામાં રસીકરણનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે અત્યાર સુધી લખપત તાલુકામાં સૌથી ઓછું રસીકરણ થયું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ ભુજ તાલુકાના બન્ની અને પચ્છમ પંથકમાં રસીકરણનો વ્યાપ સાવ ઓછો જણાતા અને અહીંના લોકોમાં રસી પ્રત્યે ગેરમાન્યતા પ્રવર્તની હોવાનું તંત્રને જણાવતા અંતે સમજાવટ અને જાગૃત્તિના પ્રયાસો આદરાયા હતા. પરિણામે બન્ની અને ખાવડા વિસ્તારના લોકો રસી લેવા માટે ઘરની બહાર નીકળ્યા છે.

બન્ની અને પચ્છમ પંથકમાં શરૂઆતથી રસીકરણની કામગીરી સાવ ઓછી છે. શરૂઆત સમયે તંત્રએ શહેરી વિસ્તારોમાં સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું જેના કારણે આજે કચ્છમાં અંદાજે 15 લાખની સામે 10 લાખથી વધુ લોકોએ તો રસીના ડોઝ લઇ લીધા છે. કચ્છમાં રસીકરણની કામગીરીની ખુદ પખવાડિયામાં બે વખત કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સરાહના કરી છે. શહેરી વિસ્તારો આવરી લીધા બાદ તંત્ર દ્વારા હવે ગ્રામીણ વિસ્તારોમાં વેક્સિનેશનના વ્યાપને વધારવા તરફ લક્ષ્ય આપ્યું છે.

અત્યાર સુધી કામગીરી થતી, પરંતુ તંત્રને સફળતા મળી ન હતી જેથી હવે સ્થાનિક આગેવાનોને આ અભિયાનમાં જોડી રસીકરણની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી છે. જેમાં સફળતા મળી છે.બન્ની અને પચ્છમ વિસ્તારમાં મુખ્યત્વે બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરેવલી અને દિનારાનો સમાવેશ થાય છે. ગોરેવલી પીએચસીમાં ગોરેવલી, હોડકો, કરનાવલી, સાડઇ, વાડ, ઘડિયાડો, ધોરડો, મીટડી, ઉધમા, પટઘર, પાનાવારી, અધિયાંગ, ઉડો, સિનિયારો, ડુમાડો, ઉડા, વડલી, સરાડા મોટા અને નાના, સેરવો, ભગાડિયા, છછલા, હાજીપીર, લુણા નાના મોટા, ભીટારા નાના મોટા, બુરકલ સહિતના ગામોનો સમાવેશ થાય છે

જેમાં કુલ 8,862 લોકોને રસી આપવાના ટાર્ગેટ સામે અત્યાર સુધી 2,349 લોકોએ જ રસી મુકાવી છે જે માત્ર 26.51 ટકા છે. દિનારા પીએચસી હસ્તકમાં મોટા દિનારા, નાના દિનારા, ધોરાવર, રબવીરી, ધ્રોબાણા, મોટા બાંધા, ઢંઢી, રતાડિયા, ક્રિષ્નાનગર, નાના બાંધા, રોહાતડ, મોટા પૈયા, અંધૌ, ખારી, સાધારા, તુગા, જામકુનરિયા, કાઢવાંઢ, કુરન, સુમારાપોર, મોટા, કોટડા, જુના દેઢિયા, લુડિયા, સોયલા, અકલી, ગોડપર અને ખાવડાનો સમાવેશ થાય છે.

જેમાં કુલ 22,137 લાભાર્થીઓ પૈકી 3,486 લોકોએ રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે. જેમાં અત્યાર સુધીના રસીકરણની વાત કરી એ તો કુલ 30,999 લાભાર્થીઓ પૈકી અત્યાર સુધી 5,835 લોકોએ જ રસી મુકાવી છે. જે કુલ રસીકરણના 18.82 ટકા જેટલી થાય છે તેવું આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

રસીકરણ વધારવા ટીડીઓને જવાબદાર સોંપાઇ : સરપંચ, તલાટીઓ પ્રચાર-પ્રસારમાં જોડાયા
બન્નીમાં રસીકરણ વધારવા માટે અથાગ પ્રયત્ન છતા સફળતા ન મળતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભુજના તાલુકા વિકાસ અધિકારી જવાબદારી સોંપવામાં આવી છે. ટીડીઓ શૈલેષ રાઠોડે જણાવ્યું કે, અહીંના લોકોમાં રસીકરણ માટે ઘણી ગેરમાન્યતાઓ હતી જે દૂર કરવા માટે સરપંચો અને તલાટીઓ સાથે દિનારામાં મીટિંગ કરી જે બાદ ભીરંડિયારામાં દુકાને દુકાને જઇ લોકોને રસી લેવા જાતે સમજૂત કર્યા, આ ઉપરાંત કચ્છીભાષામાં લોકોને રસીનો મહત્ત્વ સમજાવ્યું, ભુજથી સમાજના ડોક્ટરને ત્યાં લઇ જઇ સમજાવ્યા કે, હજ યાત્રા કરવા જાવ તો રસીના ડોઝનું સર્ટિફિકેટ જોઇએ. ઇસ્લામિક દેશોએ પણ ભારતની રસીને સ્વિકૃતિ આપી છે ત્યારે રસી લેવી જરૂરી છે. ઉપરાંત ગામના સરપંચ અને તલાટીઓ દ્વારા માઇક મારફતે પ્રચાર-પ્રસાર તેમજ મસ્જિદોમાં અઝાનમાં પણ લોકોને રસી લેવા માટે અપીલ કરવામાં આવી છે. આગેવાનો પણ રસી મુકાવી અપીલ કરે છે જેના કારણે સપ્તાહથી રસીકરણ વધ્યંુ છે.

રસીકરણના આંકડામાં સ્થાનીકના સાચા લાભાર્થી કેટલા ?
રસીકરણની કામગીરીમાં બન્નીના સાચા લાભાર્થી કેટલા તે પ્રશ્ન ઘણો અકળાવાનારો છે. કારણ કે, હાલમાં તંત્રના ચોપડે અત્યાર સુધીનું રસીકરણ 5,835 બતાવાયું છે, પરંતુ શરૂઆતના સમયે શહેરી વિસ્તારના લોકો દિનારા અને ગોરેવલીમાં રસી લેવા જતા હતા. તો આ વિસ્તારમાં નોકરી કરતા કંપનીના કામદારો, શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓએ પણ સ્થાનિકે દવાખાનામાં જ રસી લીધી છે. જેથી હાલના આંકડામાં બન્નીના સાચા લાભાર્થી કેટલા તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

આરોગ્યની ટીમ દ્વારા ઘરે જઇ અપાય છે કોરોનાની રસી
ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.ડી.કે. ગાલાએ બન્ની અને પચ્છમ પંથકમાં સપ્તાહથી રસીકરણની કામગીરીમાં વધારો થયો હોવાનું જણાવી કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે રસીનો પ્રથમ ડોઝ મુકાવવો જરૂરી હોવાનું કહ્યું હતું. રસી લેવાથી કોરોના થવાના ચાન્સિસ ઘટી જાય છે. તેમજ કોઇ જ આડ અસર થતી નથી. માત્ર સામાન્ય તાવ આવે છે. જેથી આ વિસ્તાર લોકોને ઝડપથી રસી લેવા ભાર મૂક્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરોઘર સર્વે કરી રસીનું મહત્વ સમજાવી કોરોના સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...