ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા કચ્છના 6 તાલુકામાં દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્રો અાપવા 6 કેમ્પ યોજ્યા હતા પરંતુ તેને લાંબો સમય થવા અાવ્યો છતાં 1168 પૈકી 680 લોકોને હજુપણ પ્રમાણપત્રો મળ્યા નથી, જેથી અેસ.ટી. બસના પાસ સહિત વિવિધ સહાય યોજનાઅોથી દિવ્યાંગો વંચિત રહી ગયા છે.
જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા તા.7-3-20ના મુન્દ્રા-માંડવી, તા.12-2-21ના રાપર, તા.26-2-21ના ભચાઉ, તા.12-3-21ના ગાંધીધામ અને તા.19-3-21ના અંજારમાં દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્રો અાપવા માટેના કેમ્પ વિવિધ સંસ્થાઅો વતી યોજાયા હતા. જુદા-જુદા 6 કેમ્પમાં અાવેલા 1168 દિવ્યાંગ લાભાર્થીઅો પૈકી અત્યાર સુધી માત્ર 488ને જ પ્રમાણપત્રો મળ્યા છે જયારે 680 દિવ્યાંગો હજુ પ્રમાણપત્રોથી વંચિત છે.
કેમ્પમાં જે-તે સંસ્થાઅે પણ તમામ દિવ્યાંગોના ઘરે પ્રમાણપત્રો મોકલી અપાશે તેવી ખાતરી અાપી હતી પરંતુ હજુ સુધી પહોંચ્યા નથી, જેના કારણે દિવ્યાંગો અેસ.ટી.બસના પાસ, વિવિધ સહાય યોજનાઅોના લાભથી વંચિત રહી ગયા છે.
અધુરામાં પૂરું જયારે કેમ્પ યોજાયા હતા ત્યારે પણ યોગ્ય પ્રચાર-પ્રસારના અભાવે માત્ર 20 ટકા દિવ્યાંગો જ પ્રમાણપત્ર માટે અાવ્યા હતા અને હજુ કચ્છમાં 80 ટકા દિવ્યાંગો પ્રમાણપત્રથી વંચિત છે. જનરલ હોસ્પિટલના કર્મચારીઅો દ્વારા દિવ્યાંગો સાથે તોછડું વર્તન કરાતું હોવાના અાક્ષેપ સાથે પ્રમાણપત્રો અાપવા માટેની કામગીરીમાં ઝડપ લાવવા દિવ્યાંગ મંડળ કચ્છના જગદીશ ગઢવી, જગદીશ વીરડા સહિતનાઅોઅે કચ્છ કલેક્ટરને લેખિત રજૂઅાત કરી છે.
માંડવી-મુન્દ્રાના અમુક દિવ્યાંગોને પ્રમાણપત્રો મળ્યા ત્યારે તેની મુદત પૂરી થઇ
દિવ્યાંગોને તેની ખોડ ખાંપણ મુજબ પ્રમાણપત્રોની સમય મર્યાદા 1, 2, 5 વર્ષ અેમ અલગ-અલગ નિયત કરવામાં અાવે છે. માંડવી-મુન્દ્રા તાલુકામાં જે બે કેમ્પ યોજાયા હતા તેમાંથી અમુક દિવ્યાંગોને તો પ્રમાણપત્રો અેક વર્ષ બાદ મળ્યા હતા અેટલે કે, જયારે પ્રમાણપત્રો દિવ્યાંગોના હાથમાં અાવ્યા ત્યારે તેની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હતી, જેથી અાવા લોકોને ફરીથી કઢાવવા ધરમના ધક્કા પડ્યા છે. દિવ્યાંગોના કહેવા મુજબ અામ તો અા પ્રક્રિયામાં માત્ર બે દિવસ જ લાગે પરંતુ જનરલ હોસ્પિટલના સત્તાવાળા કયારેક સર્વર ડાઉન તો કયારેક સ્ટાફ ઘટની ફરિયાદો સાથે સમય પસાર કરે છે. જુલાઇ-2021માં બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે યોજાયેલા કેમ્પના લાભાર્થીઅોને પણ પ્રમાણપત્રો મળ્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.