બદલી:કચ્છમાં STના 319 ડ્રાઇવરની જિલ્લા બહાર બદલીના આદેશ

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 400 નવા ડ્રાઇવરને નિમણૂક પત્ર આપવાનું શરૂ

વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ કચ્છના અંતરિયાળ ગામો માટે રાજ્ય પરિવહન નિગમની બસો આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે પણ સ્ટાફ ઘટને કારણે સેવા અપ્રાપ્ય હોવાની ફરિયાદો ઉઠતાં 400 જેટલા નવા ડ્રાઇવરની નિમણૂક હાથ ધરાઇ હતી તેવામાં કચ્છમાં ફરજરત 319 ડ્રાઇવરની જિલ્લા બહાર બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

ડેપો મુજબ સૌથી વધુ ભુજમાંથી 71, માંડવીના 55, મુન્દ્રા 36, અંજાર 29, ભચાઉમાંથી 33, રાપર 37, નલિયા ડેપોના 28 તેમજ નખત્રાણામાંથી 30 ડ્રાઇવરની અન્ય જિલ્લામાં બદલી કરવા એસટી નિગમ દ્વારા હુકમ કરાયા છે. કચ્છ એસટી વિભાગીય નિયામક યોગેશ પટેલના કહેવા મુજબ જિલ્લામાં નવા ડ્રાઇવરની નિમણૂકની કામગીરી આરંભાઇ છે જે અન્વયે 398 જેટલા ડ્રાઇવરને નિયુક્તિ પત્ર આપવામાં આવશે. આમ એક બાજુ 319ની બદલી કરવામાં આવી છે તેની સામે 400 જેટલા નવા ડ્રાઇવર સ્ટીયરિંગ સંભાળવાનું શરૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરતી કરાઇ હતી જેમાં કચ્છમાં અન્ય જિલ્લાના 300 જેટલા ડ્રાઇવરને ફરજ પર મુકવામાં આવ્યા હતા. બીજી બાજુ કોરોના કાળ પહેલા વર્ષ 2019ના આરંભે પસંદ કરાયેલા ડ્રાઇવરને કચ્છમાં નિમણૂક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૂત્રોના કહેવા મુજબ જ્યારથી ઓન લાઇન ભરતી પ્રક્રિયા શરૂ થઇ છે ત્યારથી સ્થાનિકના બદલે અન્ય જિલ્લાના ઉમેદવારોની સંખ્યા વધુ હોય છે.

અન્ય સમાચારો પણ છે...