આદેશ:આડેસર-સામખીયાળીમાં કોરોના ટેસ્ટીંગનો આદેશ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખરે સુશાસનના મેળાવડામાંથી બહાર આવેલું તંત્ર જાગ્યું ખરું ! : ભુજમાં કોવિડની સંભવિત ત્રીજી લહેર અંગે સમીક્ષા બેઠક યોજાઇ
  • ચેકપોસ્ટમાં ફરી ચેકિંગ,વિધાનસભા સ્પીકર ડો.નીમાબેને જી.કે. જનરલ હોસ્પિટલમાં પીપીઇ કીટ પહેરીને કોવિડ વોર્ડમાં સમિક્ષા કરી હતી. બાજુની તસવીરમાં બેઠક દરમ્યાન કામગીરીનો રિવ્યુ લેવાયો હતો.

ગ્રામ પંચાયતની ચૂંટણી અને તે બાદ ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણીના તાયફા કરવામાં આવ્યા હતા.આ દરમ્યાન કોરોના બેફામ બનતા રહી રહીને તંત્રને હવે કોવિડની પૂર્વ તૈયારીની કામગીરી યાદ આવી હોય તેમ ભુજમાં જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ ખાતે કોરોનાની ત્રીજી લહેર અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

મીટીંગમાં વિધાનસભા સ્પીકર ડો.નિમાબેન આચાર્યએ તૈયારીઓની સમીક્ષા કરી દાખલ થયેલા અને શંકાસ્પદ દર્દીને તત્કાલ સારવાર, નિદાન, ટેસ્ટની વ્યવસ્થા, દર્દીને ભોજન, પાણી, ટેસ્ટીંગ સગવડ, દવા તેમજ આ બધાનું સુપરવિઝન 24 કલાક કરાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું તેમજ રેમડેસીવર માટે ગત વખતે થયેલી સમસ્યા ફરી ન થાય તે માટે ચોકકસ માપદંડ બનાવા સૂચનો કર્યા હતા.આડેસર અને સામખીયાળીની ચેકપોસ્ટ પર ટેસ્ટીંગ શરૂ કરવા તેમજ હાઈરીસ્ક ફોરેન કોરોના કન્ટ્રીમાંથી આવતા લોકોને કોરેન્ટાઇન કરવા તાકીદ કરી હતી.

ગ્રામ્યસ્તરે પી.એચ.સી, સી.એચ.સી તેમજ સી.સી.સી. સેન્ટરોમાં મશીનની ચકાસણી, મોકડ્રીલ કરવા અને બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા, ઓકિસજન પ્લાન્ટના ટેસ્ટીંગ તબીબોને, નર્સોને આશાવર્કરોને ખડેપગે રહેવા તેમજ કોરોના વોરિયર તરીકે પુનઃ કોરોનાને હરાવવા સજ્જ થવા કહયું હતું.વિધાનસભા સ્પીકરે આ તકે હોસ્પિટલના કોવીડ વોર્ડની જાત મુલાકાત કરી નિરીક્ષણ કર્યુ હતું.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, અધિક નિવાસી કલેકટર હનુમંતસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આસ્થાબેન સોલંકી, ચીફ ઓફિસર પરાક્રમસિંહ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, સીવીલ સર્જન ડો.કશ્યપ બુચ, ડે.મામલતદાર ડિઝાસ્ટર રમેશભાઇ ઠકકર, એમ.ડી.બાલાજી પિલ્લાઇ, ડીન ઘોષ, એડિશનલ ડીન ભાદરકા, ચીફ સીએમડી હિરાણી તેમજ ડો.અમીન અરોરા, ડો.જુનૈદ, મેડિકલ ઓફિસર પ્રશાંત પટેલ, નર્સ સુપ્રિ. બેટ્ટી થોમસ, ચીફ બાયો ઈજનેર ભાવેશ પટેલ, દર્શનભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

દૈનિક 3600 ટેસ્ટ કરવાની ક્ષમતા હોવાનો દાવો
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે કચ્છમાં ત્રીજી લહેર આવે તો શું તૈયારી છે તે અંગે માહિતી આપી હતી.તેમણે જિલ્લાની પબ્લિક હેલ્થ, અત્યારસુધી થયેલા 14,15,355 કોવીડ ટેસ્ટ, હેલ્થ ફેસીલીટી, બેડ વ્યવસ્થા, ઓકિસજન પ્લાન્ટ, વેકસીનેશન, કોન્ટેક ટ્રેક અને PSA પ્લાન્ટ અંગે સૌને માહિતગાર કર્યા હતા.જો સંભવિત ત્રીજી લહેર પ્રસરે તો દૈનિક 3600 RTPCR ટેસ્ટ થઇ શકશે. 410 આઇ.સી.યુ બેડ, 2424 ઓકસિજન બેડ તેમજ પુરતો તબીબી સ્ટાફ અંગે તેમણે જણાવ્યું હતું. ભુજ અને માંડવી તાલુકામાં હાલે ધનવંતરી રથ કોવીડ સંક્રમિત વિસ્તારોમાં કાર્યરત છે તેવુ જણાવ્યું હતું.

લેબોરેટરીમાં સરકારી દર રાખવામાં આવે
લેબોરેટરી, મેડિકલ સ્ટોર, રેડિયોલોજી, સીટીસ્ક્રેન અને ખાનગી તબીબો સરકારના ચોકકસ ધારાધોરણ મુજબ સામાન્ય નાગરિકોને આર્થિક ભારણ ના પડે તે રીતે સારવારનો ચાર્જ સરકારી દર પ્રમાણે વસુલે તે માટે સ્પીકરે તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...