તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજગારીના સાધન ભંગારમાં!:કોરોના કાળમાં બેન્ડ વાજા શાંત રહેતા સંચાલકે ભંગારના ભાવે બેન્ડ ગાડી વેચવી પડી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 હજારના ખર્ચે તૈયાર કરાવેલી ગાડી નુકસાન કરી વેચી નાખી

છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર દુનિયા પર પોતાનો કાળો કેર વાર્તાવનાર કોરોના મહામારીના પ્રકોપમાં દેશની રાજધાનીથી લઈ ગ્રામ્ય વિસ્તાર સુધી તેની આડઅસર થઈ રહી છે. અસંખ્ય લોકો બેહાલ બની ગયા છે તો અનેક લોકોએ પોતાનો જીવ અને રોજગારી ગુમાવવી પડી છે.

બેહાલીની સાક્ષી પૂરતી આ તસવીર છે ભચાઉ નગરની. જ્યાં એક ભંગારના વાડામાં ઉભેલી અરમાનોથી સજાવેલી બેન્ડબાજાની ગાડી ભંગાવા માટે ઉભેલી તસ્વીરમાં દેખાય છે. જે તેની સાથે કોઈની રોજી રોટીનું પણ ભંગાણ થઈ રહ્યાનું દર્શાવી રહી છે. ત્યારે એવું કહી શકાય કે કલા આમતો વેચાતી નથી પણ આ દ્રસ્ય જોતા એવું લાગે છે અહીં કલા પણ વેચાઈ ગઈ છે.

ભચાઉના સુરેશ બારોટ નામના પ્રાસંગિક ગાયકે આજથી સાત વર્ષ પૂર્વે અંદાજિત 50-50 હજારના ખર્ચે બેન્ડ બાજાના વ્યવસાય માટે ખાસ વાહન મોટી ઉમ્મીદ સાથે તૈયાર કરાવ્યું હતું. બેન્ડ બાજાની ગાડી દ્વારા પોતાની અને પરિવારની જરૂરિયાતો આસાનીથી પુરી કરી રહ્યા હતા પરંતુ દોઢ વર્ષથી પ્રગટ થયેલા કોરોના રૂપી અસુરે આ કલાકારની રોજીરોટી છીનવી લીધી છે.

સુરેશભાઈએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં સલામતીના ભાગરૂપે સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધોના કારણે પ્રસંગોની ઉજવણી પણ બંધ થઈ ગઈ છે. તેથી બેન્ડ માટેના ઓર્ડર મળવાનું બંધ થઈ ગયું છે. તેથી ન છૂટકે માટે દિલથી બનાવેલી બે બેન્ડ ગાડીમાંથી એકને ભંગારના ભાવે વેચવી પડી છે જ્યારે બીજી ગાડી ઘરના ખૂણામાં ધૂળ ખાઈ રહી છે.

અલબત્ત કલા વહેંચતા કલાકારની કલાનું સાધનજ વેચાઈ જતા હવે રોજીરોટી કમાવવા માટે પીપરમેન્ટ બિસ્કિટની હાટડી હલાવવી પડી રહી છે. આ પ્રકારના અનેક કલાકારો કારીગરો અને રોજનું કમાતા, રોજનું ખાતા જિલ્લાના અસંખ્ય કામગારો બેરોજગરીના ભોગ બની રહ્યા છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય આપત્તિ સમાન કોરોના મહામારીમાં અસરગ્રસ્ત રાષ્ટ્રજનોને સહાય રૂપ બને તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...