કોરોના લોકડાઉન 4.0:કચ્છના ઉદ્યોગોમાં સ્થાનિકો માટે રોજગારીની ખુલતી તક

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની કંપનીઓ મેન પાવર માટે દોડતી થઇ
  • હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો વતન ચાલ્યા જતા સ્થાનિક ઔદ્યોગિક એકમોને કર્મચારીઓ ખપત

કચ્છમાં ભૂકંપ બાદ ધમધમતા ઔદ્યોગિક એકમો લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ હવે ઉત્પાદન માટે બેઠા થઇ રહ્યા છે ત્યારે મજૂરો સહિત અન્ય જગ્યાઓ માટે પણ મેન પાવર અછત સર્જાઇ હોઇ, અમુક કંપનીઓ દોડતી થઇ છે અને વર્તમાન સ્થિતિએ કચ્છના લોકો માટે ઉજળી તકો દેખાઇ રહી છે. કોરોના મહામારીએ નાના માણસથી લઇને ઉદ્યોગપતિઓની કમર તોડી નાખી છે. લોકડાઉનમાં ઔદ્યોગિક એકમો બંધ રહ્યા બાદ શરતોને આધિન 50 ટકા સ્ટાફ સાથે ઉત્પાદન માટેની છૂટ અપાતાં, આવા ઉદ્યોગો હવે ધીમેધીમે બેઠા થઇ રહ્યા છે. ભૂકંપ બાદ કચ્છમાં ઔદ્યોગિક વિકાસથી ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના લોકો રોજગારી માટે કચ્છ આવ્યા હતા. કોરોનાના કહેર વચ્ચે કામદારોએ પોતાના વતનની વાટ પકડી છે, જેથી મોટાભાગના ઔદ્યોગિક એકમોમાં મેન પાવરની અછત સર્જાઇ છે અને જે-તે કંપનીઓ દ્વારા જિલ્લા રોજગાર અધિકારી કચેરીનો સંપર્ક પણ કર્યો છે. વધુમાં સોશ્યલ મીડિયા મારફતે માણસોની જરૂરિયાત હોવાના મેસેજ પણ વહેતા કર્યા છે.  જિલ્લામાં ઔદ્યોગિક વિકાસનો વાયરો ફૂંકાયા બાદ સ્થાનિકોની આ એકમોમાં રોજગારી મળતી ન હોવાની રાવ વખતો-વખત ઉઠી છે. વર્તમાન સમયે કચ્છના બેરોજગાર લોકો માટે ઉજળી તકો છે અને હાલની સ્થિતિએ બેરોજગાર લોકોએ આ તક ઝડપી લેવી જોઇએ.

જિલ્લાની કઇ કંપનીમાં કેટલી ખાલી જગ્યા ?
જિલ્લાની વેલસ્પન અને બી.કે.ટી. કંપનીએ માનવ શક્તિની જરૂરિયાત હોવાના મેસેજ સોશ્યલ મીડિયા પર વહેતા કર્યા હતા. વધુમાં જિલ્લા રોજગાર કચેરીનો પણ સંપર્ક કર્યો હતો. હાલે કોરોના મહામારી વચ્ચે વેલસ્પન કંપનીની 1000 લોકોની જ‌રૂરિયાત હોવાની માગણી આવી હતી, જેથી ત્યાં કેમ્પસની વ્યવસ્થા હોઇ, જિલ્લા મથકે હાલની સ્થિતિએ ભીડ ન કરતાં ત્રણ ગણા લોકોને સ્થાનિકે મોકલી અપાયા છે, જે પૈકી 400 જેટલા લોકોની ભરતી પણ થઇ ગઇ છે. વધુમાં બી.કે.ટી.માંથી પણ 300 જેટલા માણસોની જરૂરિયાત હોવાની દરખાસ્ત આવી છે અને જિલ્લાના અન્ય ઔદ્યોગિક એકમોમાંથી પણ 10થી 15 વ્યક્તિઓની જરૂરિયાત છે તે મુજબની માગણીઓ આવી છે, જેના માટેની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જિલ્લા રોજગાર અધિકારી પાલાએ જણાવ્યું હતું.

10-12 દિવસ બાદ અન્ય જગ્યાઓ પર કચ્છીઓને સ્થાન મળશે
વર્તમાન સમયે સરકારે ઓછા સ્ટાફ સાથે ઉત્પાદન શરૂ કરવા ઔદ્યોગિક એકમોને છૂટ આપી છે, જેથી રોટેશન મુજબ અન્ય રાજ્યોમાંથી આવતા મેનેજર સહિત લીગલ મેનેજમેન્ટ સંબંધિત કર્મચારીઓએ કચ્છ આવ્યા બાદ ફરજિયાત કવોરેન્ટાઇન થવું પડશે, જેથી આવી પળોજણમાં મુક્તિ માટે આવા લોકો નોકરી જ છોડી દે તેવું બની શકે અને વર્તમાન સ્થિતિએ ઔદ્યોગિક એકમો સ્થાનિકોને જ ભરતી કરે તેવી શક્યતા છે અને આગામી 10-12 દિવસમાં મજૂરો સિવાય લીગલ મેનેજર સહિત લીગલ મેનેજમેન્ટની લગતી જગ્યાઓ પર પણ કચ્છીઓને સ્થાન મળે તેવી શક્યતા હોવાનું ફોકિઆના મેનેજિંગ ડાયરેક્ટર નિમિષ ફડકેએ જણાવ્યું હતું.

ખરા સમયે જ જિલ્લા રોજગાર કચેરી અધિકારી વિહોણી
હાલે માનવ શક્તિ માટે ઔદ્યોગિક એકમો જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી રહ્યા છે અને જે-તે એકમોની માગણી મુજબ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ખરા સમયે જ જિલ્લા રોજગાર અધિકારી પાલા રોજગાર કચેરીમાં હાજરી આપી શકતા નથી કારણ કે, તેમને સૂરજબારી ચેકપોસ્ટ પર કોવીડ-19ને લઇને કામગીરી સોંપાઇ હોઇ, જિલ્લા રોજગાર કચેરીના કામની સાથે કોરોનાની કામગીરી પણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...