ભુજ RTOની ભૂલ:કાચા લાઇસન્સની પરીક્ષા પાસ કરવા માટે માત્ર 60% જ જરૂરી,પૂર્વ અધિકારીએ RTI કરતાં જાણવા મળેલી હકીકત

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ 73 ટકા મેળવે તો જ ઉમેદવાર પાસ થયો ગણાય છે

વાહનના કાચા લાઇસન્સની પરીક્ષામાં 60 ટકાના બદલે 73.33 ટકાએ પાસ કરવામાં આવે છે. પરીક્ષામાં કુલ 15 પ્રશ્નોમાંથી 60 ટકા પ્રમાણે 9 પ્રશ્નો સાચા હોય તો અરજદાર પાસ થવો જોઇએ. આમ છતાં 11 પ્રશ્નો સાચા હોય તો જ પાસ કરવામાં આવી રહ્યા છે.આવી ગંભીર ભૂલ અંગે વાહનવ્યવહાર વિભાગનું ધ્યાન દોરવા છતાં અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો નથી. જેથી સાચી હકીકત જાણવા માટે વાહનવ્યવહારના પૂર્વ અધિકારી જી.એમ.પટેલે એક આરટીઆઇ કરી હતી.

આ આરટીઆઇની વિગતો સાથે કેન્દ્ર સહિત રાજ્યના મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી ઉપરાંત વિવિધ અધિકારીઓને લેખિત જાણ કરીને સુધારો કરવા રજૂઆત કરવામાં આવી છે. જો આ અંગે એક મહિનામાં સુધારો કરવામાં નહીં આવે તો આરટીઆઇ કરનાર પૂર્વ અધિકારીએ મામલો કોર્ટમાં લઈ જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ આરટીઓ અને તેને સંલગ્ન સેન્ટરોમાં પણ કાચા લાયસન્સની પરીક્ષા આપવા માટે ઉમેદવારોનો ધસારો રહેતો હોય છે, ત્યારે આગામી દિવસોમાં આરટીઓ તંત્ર તેમજ રાજ્ય સરકાર આ મામલે શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...