રાશનકાર્ડ ધારકોનો મરો:માત્ર 60 ટકા વ્યાજબી ભાવની દુકાનોને ઘઉં-ચોખાનો 50 ટકા જ જથ્થો મળ્યો

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલાથી જથ્થો ન અાવતાં કચ્છમાં પુરવઠાના ગોદામો હજુ પણ ખાલીખમ
  • લાંબા સમયથી કોન્ટ્રાક્ટરની નિમણૂક ન થતાં રાશનકાર્ડ ધારકોનો મરો

કચ્છમાં પુરવઠા નિગમના ગોદામો હજુપણ ખાલીખમ છે અને ઘઉં, ચોખાનો જથ્થો વ્યાજબી ભાવની દુકાનો સુધી ન પહોંચતાં વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી છે.વ્યાજબી ભાવની દુકાનદારોના જણાવ્યા મુજબ કચ્છમાં 120 જેટલી દુકાનો છે, જેમાં માત્ર 60 ટકા દુકાનો પર હજુ સુધી ઘઉં-ચોખાનો 50 ટકા જથ્થો જ પહોંચ્યો છે. વ્યાજબી ભાવની દુકાનેથી દર મહિને અેન.અેફ.અેસ.અે. હેઠળ બીપીઅેલ રાશનકાર્ડ ધારકોને રાહતદરે અને અંત્યોદય અન્ન યોજના તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે મફત રાશન અપાય છે.

જો કે, નવેમ્બર મહિના માટે મીઠુ, ખાંડ, દાળ, તેલ સહિતનો જથ્થો અાવી ગયો છે અને તેનું વિતરણ પણ શરૂ કરી દેવાયું છે પરંતુ ઘઉં-ચોખાનો જથ્થો ન પહોંચતા વિતરણ વ્યવસ્થામાં મુશ્કેલી પડી રહી છે. અધુરામાં પૂરું ગોદામથી દુકાન સુધી માલ પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતાં જિલ્લાના અંતરિયાળ ગામોના દુકાનદારોને પણ ગોદામ પરથી માલનો જથ્થો લેવા માટે વારંવાર ધક્કા ખાવા અે અાર્થિક રીતે પરવડે તેમ નથી.

શું કહે છે પુરવઠા નિગમના ઇન્ચાર્જ મામલતદાર
પુરવઠા નિગમના ઇન્ચાર્જ મામલતદાર જશવંત પરમારે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતાં અાખા ગુજરાતમાં અા સમસ્યા છે. વ્યાજબી ભાવના દુકાનદારો પણ પૂરેપૂરો જથ્થો અેકસામટો અાપવાનો અાગ્રહ રાખે છે, જે શક્ય નથી, જેના કારણે ઘઉં-ચોખ્ખાનો જથ્થો લેવા માટે અાવતા નથી. અત્યાર સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 50 ટકા અને નિયમિત વિતરણ માટે 44 ટકા જથ્થો ફાળવી દેવાયો છે અને અાગામી દિવસોમાં ગાડી પાટે ચડી જશે.

3 મહિનાની મંજૂરીના રૂપિયા દુકાનદારોને ન મળ્યા
વિશ્વસનીય સૂત્રોના કહેવા મુજબ પુરવઠા નિગમના ગોદામો પરથી વ્યાજબી ભાવની દુકાનો સુધી રાશનનો જથ્થો પહોંચતો કરવા માટે કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતાં હવે દુકાનદારોઅે જ ગોદામો પરથી જથ્થો લેવો તેવી વ્યવસ્થા છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે અને તેની મજૂરી પેટે જે-તે દુકાનદારને સરકાર તરફથી અંદાજિત રૂ.10 અપાય છે. કોન્ટ્રાક્ટ રિન્યૂ થયો ન હોવા છતાં અગાઉ જે કોન્ટ્રાક્ટર હતો તે જ માલનો જથ્થો તો દુકાનો સુધી પહોંચાડે છે પરંતુ તે મજૂરીના રૂ.15 લઇ લે છે. અા વચ્ચે નવાઇની વાત અે છે કે, ખુદ સરકારે જ હજુ સુધી મજૂરી પેટેના જે રૂપિયા દુકાનદારોને અપાય છે તે ત્રણ મહિનાથી અપાયા નથી.
વિતરણ ચાલુ પરંતુ દુકાનોઅે કેરોસીન નથી પહોંચ્યું
વાજબી ભાવના દુકાનદારોના કહેવા મુજબ હજુ સુધી ગાંધીનગરથી કવોટા ફાળવાયો ન હોવાથી કેરોસીનનો જથ્થો પણ દુકાનોઅે પહોંચ્યો નથી. જે-તે દુકાનોઅે નવેમ્બર મહિનાનો જે જથ્થો મળ્યો છે તે મુજબ વિતરણ ચાલુ કરી દેવાયું છે પરંતુ કેરોસીન હજુ સુધી પહોંચ્યું નથી. અા મુદ્દે જિલ્લા પુરવઠા કચેરીના હેડ કલાર્ક ડી.જે. ઝાલાનો સંપર્ક સાધતા તેમનો ફોન નો રિપ્લાય અાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...