પૂર્વ કચ્છના રાપર તાલુકાના કાનમેર ગામે ગઈકાલ મોડી સાંજે વિવાદિત જમીન મામલે ક્ષત્રિય અને રાજપૂત સમાજના જૂથ વચ્ચે સશત્ર અથડામણ થઇ હતી જેમાં બંદૂક અને ધારીયા સહિતના હથિયારો વડે એકબીજા પર કરવામાં આવેલા ઘાતક વારમાં બન્ને પક્ષના નવેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલ પૈકીના રજપૂત સમાજના એક યુવકનું આજે મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણમ્યો છે.
ક્ષત્રિય પક્ષના લોકો કાનમેર ખાતેના મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બાપાસીતારામ ચોક પાસે સાંજના 7.30 વાગ્યા બાદ રજપૂત સમાજના લોકો અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે જમીન બાબતે જૂની અદાવતમાં બબાલ થઈ હતી. બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બન્ને પક્ષના સભ્યોએ ધોકા ધારીયા અને બંદૂક સહિતના હથિયારો સાથે એકમેક ઉપર તૂટી પડ્યા હતા જેમાં અજીતસિંહ નવુભા જાડેજાને ખંભાના ભાગે બંદૂકની ગોળી વાગતા પડી ગયા હતા.
અન્ય એક વ્યક્તિએ તેમને માથાના ભાગે ધારદાર હથિયારથી વાર કરતા ઘાયલ કરી દીધા હતા. તેમની સાથેના સદેવસિંહ જાડેજા, ભાઈસાબસિહ જાડેજાને પણ ઇજા પહોંચતા રાપર સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા તો રજપૂત સમાજના દાના વજા રાઠોડ અને બળદેવ ઘેલા રાઠોડ ઉપર પણ ફાયરિંગ થતા ગંભીર રૂપે ઘાયલ થયા હતા, જેમને પ્રથમ પલાસવા સરકારી દવાખાને સારવાર અપાઈ હતી. જેમાં 36 વર્ષીય દાનાભાઈને આજે રાજકોટ સારવાર અર્થે લઇ જતી વેળાએ વહેલી સવારમાં તેમનું માર્ગમજ મૃત્યુ નીપજ્યું હતું. તેથી જૂથ અથડામણમાં બનાવમાં હવે હત્યાની કલમનો ઉમેરો થવા પામ્યો છે.
રજપૂત સમાજના સુરા વજા સોલંકી, વિક્રમ રામસંગ ડોડીયા, વાઘજી પરબત રાઠોડ, સતા રાણા રાઠોડ, પેથા દુદા રાઠોડ, અશોક રાઠોડ સહિતના ઉપર ધારીયા જેવા હથિયાર સાથે હુમલો કરતા ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. અલબત્ત બનાવ હત્યામાં પરિનમતા પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ પોલીસ કાફલા સાથે આજે સવારે કાનમેર પહોંચી ગયા હતા અને ઘટનાસ્થળની જાત મુલાકાત લઈ સલામતીના કારણોની તપાસ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.