તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લુઝિવ:ભુજ સમીપે દસ એકરમાં દસ હજાર વૃક્ષો સાથે આકાર લઇ રહ્યું છે વધુ એક સ્મૃતિ વન

ભુજ11 દિવસ પહેલાલેખક: પ્રકાશ ભટ્ટ
  • કૉપી લિંક
  • મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજની સ્મૃતિમાં ઊભું થાય છે હરિયાળું વન
  • બે તળાવ : જેમાંથી એકમાં બાળકો માટે વોટર રાઇડ્સ મુકાશે
  • તળાવનું 30 ફૂટથી વધારે ઊંડાઈ સુધી થઈ રહ્યું છે ખાણેત્રુ
  • પાણી સંગ્રહની ક્ષમતા વધતા 3 વર્ષ સુધી તળાવ નહિ સુકાય
  • વિવિધ વૃક્ષો માટે આંધ્રની એજન્સીને સોંપાયું છે કામ

કચ્છમાં સંસ્થાઓ વિવિધ પ્રોજેક્ટ હાથ ધરીને સમાજ માટે સતત કંઈક આપવાની ભાવના સાથે સક્રિય રહે છે. અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ છે કે, જે આરોગ્યથી લઈને આધ્યાત્મ સુધી પ્રવૃત્ત છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા ભુજથી ચૌદ કિલોમીટર દૂર માંડવી-ભુજ રોડ પર એક સરસ મજાનું વૈવિધ્યસભર પિકનિક સ્પોટ આકાર લઇ રહ્યું છે. ‘સ્મૃતિ વન’ નામે સાકાર થતો આ હરિયાળા વૃક્ષોથી સુશોભિત પ્રોજેક્ટ આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીની સ્મૃતિમાંમાં થઈ રહ્યો છે.

નારાણપર (રાવરી) પંચાયતની હદમાં તથા શ્રીહરિ તળાવની પાળે ડુંગરને સમથળ કરી દસ એકર જેટલી જમીનમાં અંદાજે દસ હજારથી વધુ વૃક્ષો વાવાશે તેવી માહિતી આપતા સંસ્થાનના સભ્ય સ્વામી ધર્માવત્સલ સ્વામીએ પૂરક માહિતી આપતા જણાવ્યું હતું કે, તળાવની હાલ પાણીની ક્ષમતા છે, તેને વધારવા તેને ઊંડા ઉતારવાનું કામ ચાલુ છે.

વરસાદ આવશે ત્યાં સુધી કામ ચાલુ રાખીને અંદાજે ત્રીસ ફૂટથી વધુ ઊંડાઈ થઈ જશે, જેને પરિણામે કરોડો લીટર પાણીની સંગ્રહ ક્ષમતા વધશે. સમગ્ર ખર્ચ મંદિરનું ટ્રસ્ટ કરે છે, જેમાં સત્સંગીઓનો પણ શ્રમયજ્ઞ છે. ‘સ્મૃતિ વન’ ને વધુ આકર્ષક બનાવવા ત્રણ ઊંચા સ્પોટ ઊભા કરાયા છે, જ્યા એક પર દાંડિયા રાસ જેવા નાના કાર્યક્રમ પણ યોજી શકાય તેવી વ્યવસ્થા ઊભી થશે. તો અન્ય બે વૃક્ષોચ્છાદિત કરી સેલ્ફી પોઇન્ટ બનશે. જ્યાં પૃથ્વીનો ગોળો મૂકી શોભાયમાન કરાશે.

તળાવને કિનારે પિચિંગને બાદ કરતા બાકી વધે જ કુદરતી પથ્થર દ્વારા નિર્મિત માર્ગ હશે જેથી આવનારને કુદરતી વાતાવરણનો અનુભવ થાય. પંખીઓને અનુરૂપ ઝાડનું વાવેતર થાશે, જેથી પક્ષીઓને આશિયાના મળી રહે.

પટેલ ચોવીસીના વીસ કિલોમીટર વિસ્તારનું સેન્ટર પોઇન્ટ
ભુજની દક્ષિણથી પશ્ચિમ તરફની પટેલ ચોવીસીના વિસ્તારનું આ સેન્ટર પોઇન્ટ છે, તેવું કહેતા આ સાઈટ વિકસાવનાર તથા સ્મૃતિ વન જેમનું સ્વપ્ન છે એવા લાલજીભાઈ કેરાઈ કહે છે કે, નારાણપર સીમમાં આકાર પામતું આ વન અમારી પટેલ ચોવીસીનું સેન્ટર પોઇન્ટ છે. મિરજાપર, સુખપર, માનકુવા, સામત્રા, સરલી, વાડાસર, દહિંસરા, મેઘપર, ગોડપર, નારાણપર, કેરા, બળદિયા વગેરે ગામોના મધ્યમાં આ પિકનિક પોઇન્ટ બને છે. દરેક સમાજના લોકો માટે છે, માટે દરેકને લાભ મળશે.

શોભા સાથે ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરાયું
સામાન્ય રીતે કોઈ પણ બગીચાનું નિર્માણ થાય તો શોભા વૃદ્ધિ કરતા ફૂલ ઝાડ વાવીને સુશોભિત કરાતો હોય છે. જ્યારે અહી ‘સ્મૃતિ વન’ માં ઉપયોગી ઝાડનું પણ વાવેતર થયું છે. એકતરફ કોરોના કારપસ અને મયુરપંખ છે, તો સાથે ગુંદા અને મીઠી આંબલી જેવા છોડ વાવ્યા છે. જે ઉપરાંત લાંબે ગાળે છાયડો આપતા વડ તેમજ ભરપૂર માત્રામાં ઑક્સિજન આપતા પીપળા પણ અહી જોવા મળશે. તળાવને ફરતે ફેન્સિંગની જગ્યાએ વૃક્ષો કુદરતી વાતાવરણની અનુભૂતિ કરાવશે. તળાવની પાળે અવાડા બનશે.

અન્ય સમાચારો પણ છે...