તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી લોલીપોપ કે:નર્મદાના વધારાના પાણી માટે વધુ એક સૈધ્ધાંતિક મંજૂરી !

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 2006માં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ સૈધ્ધાંતિક મંજૂરી આપી તે પછી પણ બે-ત્રણ વાર જાહેરાત થઇ હતી
  • મુખ્યમંત્રી રૂપાણીએ 3475 કરોડ રૂપિયાના કામો હાથ ધરવા પરવાનગી આપી પણ વહીવટી મંજૂરી નહી મળે તો જાહેરાત માત્ર કાગળ પર જ રહી જશે

સૂકા મુલકની છાપ ધરાવતા કચ્છમાં ચોમાસું સારૂં ન રહે તો પણ નંદનવન બનાવી શકે તેવી નર્મદાના વધારાના પાણી પહોંચાડવાની યોજના દોઢ દાયકા પહેલાં ઘડી કઢાયા બાદ તેના અમલ માટે ફરી એકવાર સરકારે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છને વધારાના એક મીલિયન એકર ફીટ પાણી ફાળવવા 3475 કરોડ સૈધ્ધાંતિક રીતે ફાળવવાની જાહેરાત કરી હતી. આ પૂર્વે તિક મંજૂરી આપી હતી પણ આજ સુધી તે વહીવટી મંજૂરીના સ્તરે પહોંચી નથી જેને પગલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તેમજ નર્મદા ચળવળ ચલાવનારા અગ્રણીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

મૂળ યોજના પ્રમાણે નર્મદાના વધારાના 3 મીલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાત, સાૈરાષ્ટ્ર અને કચ્છને સરખા ભાગે ફાળવવાના હતા તે મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને વધારાના પાણી નસીબ થઇ ગયાં છે જ્યારે સરહદી અને સૂકો જિલ્લો હોવા છતાં કચ્છની સતત ઉપેક્ષા થતાં હજુ સુધી આ યોજના મૂર્તિમંત નથી થઇ અને માત્ર સૈધ્ધાંતિક જાહેરાતો માટે બનાવાઇ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. નર્મદાના વધારાના નીર કચ્છમાં પહોંચે તે માટે અનેક સંસ્થાઓએ સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે પણ વહીવટી મંજૂરી સુધી તે પહોંચી નથી તેની સારી પેઠે જાણ હોવા છતાં મુખ્યમંત્રીએ ફરી એક વાર 3475 કરોડના કામોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. તેમની આ નવી જાહેરાતમાં અંદાજિત કામો ત્વરાએ જળસંપત્તિ વિભાગને હાથ ધરવા સુચના અપાઇ છે.

રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભુજ અને નખત્રાણા એમ 6 તાલુકાના 96 ગામોની 2.35 લાખ એકર જમીનને નર્મદાના પાણીની સુવિધા આ કામોના પરિણામે મળતી થશે તેમજ રાપર તાલુકાના સારણ સહિત 38 જળાશયોમાં નર્મદાનું વધારાનું પાણી નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો આ જાહેરાતને વહીવટી મંજૂરીની મહોર મળશે તો જ કામો થશે અન્યથા અગાઉની જેમ તે કાગળ પર જ રહી જશે. ઉલ્લેખનીય છે કે, કચ્છને નર્મદાના વધારાના નીર ત્વરાએ મળે તે માટે પૂર્વ સાંસદ અને પૂર્વ રાજ્યમંત્રી પણ સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે.

વહીવટી મંજૂરી જરૂરી, મળશે તો સૌ પ્રથમ મુખ્યમંત્રીનો હું આભાર માનીશ
‘મુખ્યમંત્રીએ નર્મદાના વધારાના પાણી માટે જાહેરાત કરીને લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે કેમ કે, આજથી 15 વર્ષ પહેલાં 2006માં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છને પાણી ફાળવવાની સૈધ્ધાંતિક જાહેરાત થઇ ચૂકી છે. હવે જો તાત્કાલિક સરકાર વહીવટી મંજૂરી આપશે તો હું મુખ્યમંત્રીનો સૌથી પહેલો આભાર માનીશ’. > સુરેશ મહેતા, પૂર્વ મુખ્યમંત્રી

જાહેરાત માત્ર કાગળ પૂરતી ન રહે તો સારૂં
‘સરકારે કરેલી જાહેરાત આવકાર્ય છે પણ તે માત્ર કાગળ પૂરતી સીમિત ન રહે તે માટે તાત્કાલિક વહીવટી મંજૂરી આપીને કામો શરૂ કરાય. અગાઉ પણ આવી રીતે જાહેરાતો કરાઇ છે પણ કોઇ જ અમલવારી થઇ નથી. રૂપાણીની સૈધ્ધાંતિ મંજૂરી બાદ જમીની સ્તરે કામગીરી કરવામાં આવે તે આવશ્યક છે. કિસાન સંઘે વધારાના પાણી મુદ્દે અનેક રજૂઆતો કરી છે જેનો હજુ સુધી કોઇ લેખિત જવાબ મળ્યો નથી’. > શિવજી બરાડિયા, પ્રમુખ, કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ

દાયકા પહેલાં અદાલતમાં સોગંદનામું રજૂ કરાયું હતું
‘રાજ્ય સરકારે વધારાના પાણી માટે ત્રીજી કે ચોથી વાર મંજૂરી આપી છે. વર્ષ 2010/11માં કચ્છ જળ સંકટ નિવારણ સમિતિએ દેશની સર્વોચ્ચ અદાલતમાં નર્મદાના વધારાના પાણી માટે ન્યાય માગ્યો હતો. તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ કચ્છને ન્યાય મળશે તેમ જણાવી કઇ રીતે યોજના આકાર લેશે તેનું સોગંદનામું પણ રજૂ કર્યું હતું. આજે ફરી સૈધ્ધાંતિક મંજૂરીની જાહેરાત કરાઇ છે જે લોલીપોપ સમાન છે કેમ કે નાણા ક્યાંથી અને કેમ ફાળવાશે તેની કોઇ સ્પષ્ટતા નથી કરાઇ’ > હંસરાજ ધોળુ, કચ્છ જળ સંકટ નિવારણ સમિતિ

કચ્છને વધારાના પાણી માટે સમગ્ર યોજનાને બહાલી આપો
‘કચ્છની વધારાના પાણીની મૂળ યોજના વર્ષ 2006 પછીના આયોજનો મુજબ રૂ. 480 કરોડની હતી. છેલ્લા 15 વર્ષના ભાવ વધારા પછી આજે તે 10 હજાર કરોડની થઈ શકે જેની સામે માત્ર 3475 કરોડની જ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે અને વહીવટી મંજૂરી તો બાકી જ છે. આ યોજનાની ટુકડે ટુકડે મંજૂરી શા માટે આપવામાં આવે છે? ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની યોજનાથી કચ્છની યોજના માટે અલગ પ્રકારની મંજૂરી શા માટે? અબડાસા અને લખપત જે સરહદી જિલ્લાઓ છે, તેને શા માટે બાકી રાખવામાં આવ્યા છે. મૂળ યોજના થકી 10 લાખ એકર જમીનમાં પાણી પહોંચાડવાના હતા, તે સામે માત્ર 2.35 લાખ એકર જમીનમાં પાણી પહોંચાડવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. તો બાકી રહેતી જમીનમાં પાણી પહોંચાડવાની મંજૂરી ક્યારે આપવામાં આવશે?’ > અશોક મહેતા, કચ્છ નર્મદા જળ અભિયાન

ખડીરને પણ વધારાના પાણીનો લાભ મળે તો રોજી-રોટીનો પ્રશ્ન ઉકેલાઇ જાય
‘ખડીરને વધારાના નીર ફાળવાય તો રોજી-રોટીનો પ્રશ્ન સ્થાનિકે જ ઉકલી જાય તેમ છે. ભરૂડિયામાં નર્મદાની કેનાલ આવી પણ ગઇ છે. અહીંથી જો જનાણવાળા ઉપરના ભાગોમાં પાણી પહોંચતું કરાય તો પૂર્વ અને પશ્ચિમ ખડીરની મોટા ભાગની જમીનમાં સિંચાઇ થાય તેમ છે. આ ઉપરાંત ડેમો ભરાય તો ભૂગર્ભ જળ ઉંચા આવ્યેથી મોટો લાભ થાય તેમ છે. અનેક વન્ય જીવો માટે ઘાસ મળે અને પ્રવાસન ક્ષેત્રે નવલું નજરાણુ મળી રહે તેમ છે’. > જીલુભા સોઢા, પૂર્વ સરપંચ, ધોળાવીરા

પૂર્વ રાજ્યમંત્રી અને પૂર્વ ધારાસભ્યે જાહેરાતને આવકાર આપ્યો
વધારાના પાણી માટે વડા પ્રધાનને રજૂઆત કરનારા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ સરકારની જાહેરાતને આવકારતાં જણાવ્યું હતું કે, કચ્છી નૂતન વર્ષ પહેલાં જ સરકારે સુખદ નિર્ણય લીધો છે. વધારાના પાણીનું કામ ચોમાસા બાદ તુરંત હાથ ધરાય તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ આ જાહેરાતથી ખેડૂતો, માલધારીઓ તેમજ લોકોને ખૂબ આશીર્વાદ રૂપ સુવિધા મળશે તેમજ વાગડની ધરા નવપલ્લવિત થશે તેમ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...