પેયજળ:દરરોજનું એક લાખ લિટર શુદ્ધ પાણી સરહદના જવાનોની તૃષા છીપાવશે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરરોજ એક લાખ લીટર પાણી નીકળે છે. - Divya Bhaskar
દરરોજ એક લાખ લીટર પાણી નીકળે છે.
  • સિંધુ નદીના પ્રવાહને કારણે બોરમાંથી વગર મોટરે પાણી નીકળે છે
  • પાણી પૂરવઠા વિભાગે શુદ્ધિકરણ કરીને 200 ટીડીએસ સુધી પેયજળ શુધ્ધ કર્યું

ભારત પાકિસ્તાન સરહદે કચ્છ રણના ભૂગર્ભમાં એક સમયે સિંધુ નદીના પ્રવાહ હોવાની પુષ્ટિ ભૂસ્તશાસ્ત્રીયો પણ આપી ગયા છે. જેથી ખારા પટમાં પણ મીઠું પાણી પ્રાપ્ત થાય છે. સરહદી પિલર 1079 નજીક ગેંડા બોર્ડર આઉટ પોસ્ટ પાસે પાણી પુરવઠા વિભાગે બે વર્ષ અગાઉ બોર કર્યો હતો, જેનું કામ સિવિલ વર્ક વગેરે કારણોસર હાલમાં જ પૂર્ણ થયું. દસ હજાર ટીડીએસવાળુ પાણી આર.ઓ. પ્લાન્ટ લગાવી માત્ર 200 ટીડીએસ સુધી લઈ આવી મિનરલ વોટર જેવું પેયજળ જવાનો માટે સપ્લાય શરૂ કર્યું. દરરોજ એક લાખ લીટર પાણી નીકળે છે. જે દેશની સૌથી લાંબી સરહદના જવાનોની તૃષા છીપાવશે. સીમા સુરક્ષા દળના જવાનો માટે પાણી પુરવઠા વિભાગે કચ્છ સરહદે ફેન્સિંગ નજીક સાતસો ફૂટ ઊંડો બોર કર્યો હતો.

સિંધુ નદીના પટમાં બોર હોતા તેમાંથી નીકળતું પાણી, અન્ય કરતા વધુ શુદ્ધ હોવાનું કહેતા કાર્ય પાલક ઇજનેર અશોક લદ્ધર જણાવે છે કે, સામાન્યતઃ બોરનું પાણી 40 થી 50 હજાર ટીડીએસ ધરાવતું ખારું પાણી હોય છે, જ્યારે અહીં 10 હજાર ટીડીએસ ધરાવતું પાણી નીકળે છે, અને તે પણ સબમર્સિબલ પંપ વિના જમીનની ઉપલી સપાટીએ પહોંચી આવે છે.

ઉપરાંત આંતરિક જળ પ્રવાહને કારણે દરરોજનું એક લાખ લીટર પાણી નીકળે છે. જવાનો માટે ખાસ ભાવનગર સ્થિત સેન્ટ્રલ મરીન એન્ડ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પેયજળ શુદ્ધિકરણ પ્લાન્ટ લગાવી એકદમ શુદ્ધ પાણી નું ટેસ્ટિંગ મંગળવારે કરવામાં આવ્યું. કચ્છમાં સૌપ્રથમ વખત આ પ્લાન્ટ કાર્યરત થયો છે.

આગામી દિવસોમાં વધુ બે પ્લાન્ટ કાર્યરત કરવાની યોજના
ભારત પાકિસ્તાન સરહદે કચ્છ જિલ્લાના ગેંડા બોર્ડર આઉટ પોસ્ટ પાસે શરૂ થયો તેવા વધુ બે પ્લાન્ટ ખરદોઈ અને સંધી પોસ્ટ પર બનશે. બંને જગ્યાએ બોર થઈ ગયા છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ના સહયોગથી પેયજળ શુદ્ધિકરણ પ્લાન્ટ લગાવી તાત્કાલિક શરૂ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...