અકસ્માત:ભુજ નખત્રાણા વચ્ચેના દેશલપર પાસે સ્કૂલ બસ અને બોલેરો જીપ વચ્ચે અકસ્માત, એકનું મોત, ત્રણ ઘાયલ

ભુજ10 દિવસ પહેલા
  • બાળકોને લઈ આવતી સ્કૂલ બસ સામે રોંગ સાઈડમાં આવતી બોલેરો જીપ ધડાકાભેર અથડાઈ

ભુજ તાલુકાના દેશલપર(વાંઢાય) ગામના દાદા દાદી પાર્ક નજીક આજે સવારે 7.15ના અરસામાં સ્કૂલ બસ અને બોલેરો જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું સારવાર પૂર્વેજ મૃત્યુ નીપજ્યું થયું હતું. જ્યારે જીપમાં સવાર અન્ય 3 વ્યક્તિઓને ગંભીર પ્રકારની ઇજા પહોંચતા 108 મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં મદદરૂપ બન્યા હતા. નખત્રાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કરુવાહી હાથ ધરી હતી.

ગમખ્વાર અકસ્માત આજ મંગળવાર સવારે 7.15 વાગ્યાની આસપાસ નખત્રાણા ભુજ ધોરીમાર્ગ પરના દેશલપર પાસે બન્યો હતો. જેમાં એસ.એલ.પી સ્કૂલની બસ નંબર (GJ-12-BT-9517)સાથે સામેથી પુરપાટ આવતી બોલેરો જીપ નંબર (GJ-16-HU-2179)ધડાકાભેર અથડાઈ પડી હતી. અકસ્માતના પગલે નખત્રાણાના કોટડા જદોડરથી વિદ્યાર્થીઓને લઈને દેશલપરના સંસ્કારધામ જતી બસમાં સવાર બાળકોનો સદભાગ્યે બચાવ થયો હતો. પરંતુ ગભરાહટના કારણે બાળકોએ બુમાબુમ કરી મૂકી હોવાનું ચેતનભાઈ માવણીએ જણાવ્યું હતું.

આ અકસ્માતમાં મૂળ રાજકોટના હાલે ગઢશીશા રહેતા અને સૂઝલોન પવનચક્કીના કોન્ટ્રાક્ટમાં કામદાર દિક્ષાત હસમુખભાઈ અંતાલાનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે જીપ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે. દેશલપરના આ માર્ગ પર અનેક અકસ્માત સર્જાઈ ચુક્યા છે તેમાં મોટા ભાગના જીવલેણ નીવડ્યા છે. અંદાજિત પાંચ વર્ષ પૂર્વે ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 14 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...