તંત્રથી લોકો ત્રસ્ત:પાલિકાની મરણ નોંધણી શાખામાં એકે દાખલો આપ્યો, બીજાએ રદ કર્યો !

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પદાધિકારીઅોને વહીવટી કર્મચારીઅોનું મલ્લયુદ્ધ માટે ખુલ્લું આમંત્રણ
  • કામ આસાન કરવાને બદલે મુશ્કેલ કરવાની નીતિથી લોકો ત્રસ્ત

ભુજ નગરપાલિકામાં જન્મ, મરણ અને લગ્ન નોંધણી શાખા છે, જેમાં કામ આસાન કરવાને બદલે મુશ્કેલ કરવાની નીતિ અપનાવાઈ રહી છે, જેથી લોકો ત્રાસદાયક સ્થિતિમાં મૂકાઈ ગયા છે. જેના કારણે પદાધિકારીઅો હરકતમાં અાવે છે. જોકે, અેમની સામે પણ વહીવટી અધિકારીઅો મલ્લયુદ્ધને અામંત્રણ અાપવા તૈયાર રહે છે. અેવી જ ઘટના મરણનો દાખલો અાપવામાં બની હતી, જેમાં ઈનચાર્જ શાખા અધ્યક્ષે દાખલો કાઢી અાપ્યો હતો અને પૂર્ણકાલિન શાખા અધ્યક્ષે દાખલો રદ કરવાની નોંધ મૂકતા મેથી પાક ખાવાનો વખત અાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પોતાના વોર્ડમાં વિશાળ ટેકેદારો ધરાવતા પદાધિકારીઅે તેમના સંબંધીના મરણના દાખલામાં નામ ઉપરાંત અન્ય નામ ઉર્ફે કરીને લખવા કહ્યું હતું. કેમ કે, મૃતક વ્યક્તિ બે નામ ધરાવતી હતી. પરંતુ, જન્મ, મરણ, લગ્ન નોંધણી શાખાના પૂર્ણકાલિન અધ્યક્ષે જડતા બતાવી હતી.

જોકે, ઈનચાર્જ શાખા અધ્યક્ષે માર્ગદર્શિકા મુજબ મૃતકના નામ ઉપરાંત ઉર્ફે નામ ઉમેરી અાપ્યું હતું. જે પૂર્ણકાલિન શાખા અધ્યક્ષના ધ્યાનમાં અાવતા તેમણે મરણનો દાખલો રદ કરવાની નોંધ મૂકી હતી, જેથી પદાધિકારીના અોળખીતા પારખીતાઅો વિશાળ ટેકેદારો સાથે ધસી અાવ્યા હતા અને જડતાપૂર્વક જીદે ચડેલા શાખા અધ્યક્ષને સભ્યતાની ભાષામાં સમજાવવાનું મૂકીને મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ મુખ્ય અધિકારી પાસે રજુઅાત કરવા પહોંચી ગયા હતા.

પરંતુ, ટોળાની ઉગ્રતા જોઈ મુખ્ય અધિકારીઅે પોલીસને બોલાવી લીધી હતી. અહીં સવાલ અે છે કે, સરકાર લોકોના કામ સહજ સરળ કરવા પગારદાર નોકરોને રાખતી હોય છે. પરંતુ, વહીવટી વિભાગના પગારદાર કર્મચારીઅો લોકોના કામ મુશ્કેલ કરી દેતા હોય છે. જે ફરિયાદ છેક જિલ્લા ભાજપ કાર્યાલયમાં પહોંચી ગઈ છે. ફરિયાદ પહેલા 24 જેટલા નગરસેવકોઅે શાખા અધ્યક્ષની બદલી કરાવવા પણ માંગણી કરી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...