ભુજ તાલુકાના ગામડાઅોમાં વીજ ચેકિંગમાં નિકળતી ટીમ પર હુમલાના બનાવો બનવા કાંઇ નવી વાત નથી. અગાઉ પણ વીજ ચેકિંગની ટીમ ઉપર હુમલો થતા પોલીસ દ્વારા ફાયરિંગ કરાયું હતું. ગુરુવારે સવારે દસ વાગ્યાના અરસામાં ભુજ તાલુકાના કોટાય ગામે વીજ કંપનીના કર્મચારીઅો બીલ ન ભરતા મીટર ઉતારી રહ્યા હતા ત્યારે તાલુકા પંચાયત સદસ્ય સહિતના 50થી 60 જણ ધસી અાવ્યા હતા.
ટોળાઅે હુમલો કરતા અેક કર્મચારી ઘાયલ થયો હતો જેને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના અરિહંત નગરમાં રહેતા પંકજભાઇ હરેશભાઇ અમીત જી. કે. જનરલ હોસ્પિટલ ચોકીઅે જાહેર કર્યું હતું કે ભુજ તાલુકાના કોટાય ગામે સવારે દસ વાગ્યાના અરસામાં વીજ ચેકિંગ માટે નિકળ્યા હતા. ગામના મેગીબેન ગોપાલ જેઠાનું મીટર ઉતારી રહ્યા હતા ત્યારે તાલુકા પંચાયત સદસ્ય લક્ષમણ કરશન બતા, વાલા ગોપાલ બતા તથા અન્ય 50થી 60 જણનું ટોળુ ત્યાં ધસી અાવ્યું હતું. તમામ લોકો ભેગા થઇ માર મારતા સંજયકુમાર હરીલાલ સેંઘાણી (રહે. ઉમા કોલોની,ભુજ)વાળાને માથાના ભાગે તથા શરીર પર ઇજાઅો પહોંચી હતી. ઇજાઅોને કારણે સાથી કર્મચારીને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ અાવ્યા હતા. માધાપર પોલીસ મથકે ભુરાભાઇ ઉર્ફે લક્ષ્મણ કરમણ બતા, વાલાભાઇ ગોપાલ બતા, કાનજીભાઇ ગોપાલ બતા સામે ફરજમાં રૂકાવટ તેમજ ગેરકાયદેસર મંડળી રચી માર મારવા બદલ ફોજદારી નોંધાવાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.