ઠંડીનું મોજું:ઠંડીના મોજામાં સપડાયું કચ્છ, નલિયા 6.9 ડિગ્રી સાથે ટાઢુંબોળ બોકસ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં માવઠાના વાદળો વિખેરાતાં જ ન્યૂનતમ પારો એકાએક પાંચથી નવ ડિગ્રી જેટલો ગગડી જતાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. નલિયામાં એક ઝાટકે ન્યૂનતમમાં 9.3 ડિગ્રીના ઘટાડા સાથે 6.9 ડિગ્રી થઇ જતાં રાજ્યભરમાં મોખરાના સ્થાને ટાઢુંબોળ બન્યું હતું. જ્યારે કંડલા એરપોર્ટ, ભુજ અને કંડલા પોર્ટ અનુક્રમે બીજા, ત્રીજા તેમજ ચોથા ક્રમે ઠંડા રહ્યા હતા. આમ રાજ્યના મોખરાના પાંચ પૈકી કચ્છના ચાર મથકો ઠર્યા હતા. દરમિયાન સોમવાર સુધી ઠારનું સામ્રાજ્ય રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

છેલ્લે ગત ડિસેમ્બરની 21 તારીખે 5.8 ડિગ્રી જેટલી ઠંડી સાથે ઠરેલાં નલિયામાં ન્યૂનતમ તાપમાન ક્રમશ: વધ્યું હતું. શુક્રવારે 16.2 ડિગ્રી રહ્યા બાદ એકાએક પારો નીચે સરકીને 6.9 ડિગ્રીએ પહોંચતાં નગરજનો એકાએક ઠૂંઠવાયા હતા. ચાલુ માસે પ્રથમવાર એક આંકડાના ઠાર સાથે શીતનગર રાજ્યભરમાં અવ્વલ બન્યું હતું. બીજા ક્રમે ઠરેલાં કંડલા એરપોર્ટ મથકે પણ પારો ગગડીને એક આંકડે પહોંચ્યો હતો અને ન્યૂનતમ 9.5 ડિગ્રી રહેતાં ગાંધીધામ, આદિપુર તેમજ અંજાર સહિતના વિસ્તારોમાં ઠંડીએ અચાનક જોર પકડ્યું હતું.

જિલ્લા મથક ભુજમાં લઘુતમ તાપમાન સાડા પાંચ ડિગ્રી જેટલું નીચે સરકીને 10.8 પર પહોંચતાં રાજ્યભરમાં ત્રીજા ક્રમે ઠંડુ઼ં શહેર બની રહ્યું હતું તો કંડલા પોર્ટ ખાતે પણ ન્યૂનતમ તાપમાનમાં 5 ડિગ્રી જેટલો ઘટાડો થઇને 11.6 રહેતાં ચોથા સ્થાને ઠંડુ મથક બન્યું હતું. આમ કચ્છમાં એકાએક ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. સોમવાર સુધી ઠારનું સામ્રાજ્ય યથાવત રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજ્યમાં સૌથી ઠંડા 10 મથકો
નલિયા 6.9
કંડલા (એ) 9.5
ભુજ 10.8
કંડલા પોર્ટ 11.6
રાજકોટ 11.7
ડિસા 12.2
કેશોદ 12.4
સુરેન્દ્રનગર 12.5
અમરેલી 13.6
પોરબંદર 13.9

અન્ય સમાચારો પણ છે...