કાર્યક્રમનું ગુજરાતીમાં પ્રસારણ:હવેથી આકાશવાણીમાં ‘ભા ભેણે કે જજા કરે ને રામ.. રામ..’ સાંભળવા નહીં મળે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 વર્ષથી કાર્યરત કચ્છી કાર્યક્રમ ગામ જો ચોરો હવે ગુરુવારે ભુજ કેન્દ્ર પર ગુજરાતીમાં પ્રસારિત થશે
  • ફંડ, સ્ટાફ ઘટ વચ્ચે ભુજ આકાશવાણી કેન્દ્રની સેવા સમેટવાની દિશામાં પેંતરો ?

કચ્છના અતરિયાળ ગામોમાં રહેતા ખેડૂતો, માલધારીઅોના પ્રશ્નોને વાચા આપતો કચ્છી કાર્યક્રમ છેલ્લા 50 વર્ષથી ભુજના આકાશવાણી કેન્દ્ર પરથી પ્રસારિત થતો હતો, જે હવેથી ગુજરાતીમાં પ્રસારિત કરાશે.

ભુજનું આકાશવાણી કેન્દ્ર ગ્રાન્ટ અને સ્ટાફના અભાવે બંધ થશે તેવી વહેતી થયેલી વાતો વહેતી થઇ છે. માલધારીઓ, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ભુજ આકાશવાણી કેન્દ્ર પરથી કચ્છી ભાષામાં ગામ જો ચોરો કાર્યક્રમ અંદાજિત 50 વર્ષ પહેલા શરૂ કરાયો હતો. જો કે, હવેેથી ભા ભેણે કે જજા કરે ને રામ.. રામ..સાંભળવા નહીં મળે. કચ્છી સાહિત્યકારોઅે કચ્છી બોલીને ભાષાનો દરજ્જો મળે માટે પ્રયત્નશીલ છે ત્યારે કચ્છના છેવાડાના ગામોના લોકો સમજી શકે તે માટે કચ્છી ભાષામાં ભુજ કેન્દ્ર પરથી દરરોજ પ્રસારિત થતો કાર્યક્રમ ગામ જો ચોરો હવે કચ્છીમાં નહીં પરંતુ ગુજરાતીમાં પ્રસારિત કરાશે. કચ્છી કાર્યક્રમના 90 ટકા લોકો ચાહક છે આજે ડિજિટલ યુગમાં લોકો અા કાર્યક્રમ અચૂક સાંભળે છે. અગાઉ કેસેટ બનાવીને રાજકોટ કેન્દ્ર ખાતે મોકલાતી ત્યારે પણ સેવા સારી હતી અને ભુજ કેન્દ્રની સેવાઅો સમેટવાની દિશામાં પેંતરા થઇ રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ભુજ કેન્દ્રની સેવાની પધ્ધતિ બદલવી અે ગળે ટૂંપો અાપવા સમાન
વિસ્તારની દ્રષ્ટિઅે કચ્છ દેશનો સાૈથી મોટો જિલ્લો છે અને અાર્થિક ઉપાર્જન માટે મોટાભાગના લોકો ખેતી, પશુપાલન પર જ નિર્ભર છે અને શિક્ષણનું પ્રમાણ અોછું છે ત્યારે કચ્છી ભાષામાં જ પ્રસારિત થતો ગામ જો ચોરો કાર્યક્રમ થકી લોકો ઝડપથી સમજી શકતા હતા અને કચ્છી કલાકારોને પણ પ્રોત્સાહન મળતું હતું ત્યારે અા સાૈથી મોટું માધ્યમ બંધ કરવું અે કચ્છના અંતરિયાળ ગામોના ખેડૂતો, માલધારીઅો, કલાકારો માટે અન્યાય અને અાઘાતજનક છે. સ્ટાફની ઘટ અને ફંડના અભાવે અાખા રાજ્યમાં અેક જ સ્થળેથી કાર્યક્રમોનું પ્રસારણ થાય તેવી પધ્ધતિ ઉભી કરવામાં અાવી રહી છે, જો અામ થશે તો ભુજને દિવસમાં માત્ર અેક જ કલાક મળશે. કચ્છને મૂકીને રાજ્યના અન્ય જિલ્લાઅોની સમસ્યાઅો કચ્છી માડુઅો સમક્ષ રજૂ કરવાથી તેમને કોઇ લાભ થવાનો નથી. > જયંતી જોષી (શબાબ), અાકાશવાણીના પૂર્વ ડાયરેક્ટર

કચ્છના છેવાડાના ગામોના લોકોનો અવાજ રૂંધાઇ જશે
અાકાશવાણી ભુજ કેન્દ્ર પરથી પસાર થતો કચ્છી કાર્યક્રમ ગામ જો ચોરો બંધ થતો હોય તો કચ્છના છેવાડાના ગામોના લોકોનો અવાજ રૂંધાઇ જશે. કચ્છના ખેડૂતો, માલધારીઅો અા કાર્યક્રમ પર નિર્ભર હતા અને અા કાર્યક્રમ બંધ થાય તો તે સરકારની ભૂલ છે. મારા કચ્છી નાટક, વાર્તાઅો અાકાશવાણી પર પ્રસારિત થતી હતી. ધારાસભ્યો, સાંસદ કચ્છી છે અને હવે તો વિધાનસભાના અધ્યક્ષા પણ કચ્છી છે ત્યારે કચ્છના લોકોના પ્રશ્નોને વાચા અાપતો અા કચ્છી કાર્યક્રમ બંધ થાય તો તે અાઘાતજનક છે. > ગાૈતમ જોષી, કચ્છી સાહિત્યકાર

50 ટકા કચ્છી 50 ટકા ગુજરાતી કાર્યક્રમો રજૂ કરવા જોઇઅે
ભુજ કેન્દ્ર પરથી કચ્છી વાર્તાલાપ, નાટકો હવે અોછા થતા જાય છે અને મોટાભાગના કચ્છી કાર્યક્રમો બંધ કરી દેવાયા છે,જે ન થવું જોઇઅે. કચ્છી ભાષા માટે અાકાશવાણીનું ભવ્ય પ્રદાન છે. અાકાશવાણી પર પ્રથમ વખત કચ્છી વાર્તા રામ ઠક્કર દ્વારા રજૂ કરાઇ હતી. ખરેખર તો 50 ટકા ગુજરાતી અને 50 ટકા કચ્છી કાર્યક્રમો રજૂ કરવા જોઇઅે. કચ્છીને ભાષાનો દરજ્જો મળે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે અને અાગામી સમયમાં સફળતા મળશે જ. > કાંતિ ગોર, કચ્છી સાહિત્ય અકાદમીના પરામર્શક

કચ્છી ભાષાને પ્રોત્સાહન અાપવામાં અાકાશવાણીની મહત્વની ભૂમિકા
જિલ્લાના છેવાડાના ગામોના ખેડૂતો, જંગલમાં પશુધન સાથે વસવાટ કરતા માલધારીઅોના પ્રશ્નોની સાથે અાધુનિક ખેતી, વાવણી, દવાનો છંટકાવ વગેરે વિષયક ચર્ચા સાથે લોકોને જરૂરી માર્ગદર્શન અા કચ્છી કાર્યક્રમ થકી મળી રહેતું હતું. કચ્છી ભાષાને પ્રોત્સાહન અાપવામાં અાકાશવાણી ભુજ કેન્દ્ર પરથી રજૂ થતા કચ્છી કાર્યક્રમોનું મહત્વનું યોગદાન છે. > પદ્મશ્રી નારાયણ જોષી, અાકાશવાણી સલાહકાર સમિતિના પૂર્વ સભ્ય

રાજ્યના તમામ ખેડૂતોને લાભ મળે તે માટે લેવાયો નિર્ણય
ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે અને હવેથી અા કાર્યક્રમ કચ્છી ભાષામાં નહીં પરંતુ ગુજરાતી ભાષામાં જ પ્રસારિત થશે અને તે રાજ્યના જુદા-જુદા અાકાશવાણી કેન્દ્રો પરથી રજૂ કરાશે. અા કાર્યક્રમ ભુજ કેન્દ્ર પરથી દર ગુરુવારે પ્રસારિત કરવામાં અાવશે. > પ્રેરક વૈદ્ય, ભુજ અાકાશવાણી કેન્દ્રના સ્ટેશન હેડ

ભુજનું અાકાશવાણી કેન્દ્ર બંધ નહીં થાય : કેન્દ્રમાં કરી રજૂઆત
ભુજનું અાકાશવાણી કેન્દ્ર બંધ નહીં થાય અને અા મુદ્દે કેન્દ્રીયમંત્રી સાથે રૂબરૂ ચર્ચા થઇ છે અને પત્ર લખીને પણ અા મુદ્દે રજૂઅાત કરી છે. ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થતો કચ્છી કાર્યક્રમ ગામ જો ચોરો કયા કારણોસર બંધ કરાય છે તે જાણી, અા કાર્યક્રમ ફરીથી ચાલુ થાય તેવા પ્રયત્નો કરીશ. > વિનોદ ચાવડા, સાંસદ

અન્ય સમાચારો પણ છે...