આર્થિક ખેંચ:વીશીનું વિષચક્ર નહિ, પણ વીશી પોતે જ વિષચક્ર બની ગઈ છે : આિર્થક લેવડ દેવડમાં ભ્રષ્ટાચાર

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો અગાઉ સારા ઉદ્દેશ સાથે શરૂ થયેલી આંતરિક નાણાકીય વ્યવસ્થા બની જોખમી

વીશી એટલે વાણિજ્ય વ્યવસ્થા સાથે સંકળાયેલો શબ્દ છે. કોઈ કાયદેસરતા નથી, છતાં પણ સિત્તેર ટકા વેપારીઓ આ નાણાકીય વ્યવસ્થા સાથે જોડાયેલા હશે. એક સમયે શરૂ થયેલી આ આંતરિક સમજ સાથેની પૈસાની લેવડ દેવડમાં હવે અનેક ભ્રષ્ટાચાર પેશી ગયો છે. એટલું જ નહિ વીશી સંચાલકો વધુ પૈસાદાર થતા ગયા અને તેમાં પૈસા ભરનાર સભ્ય લોભ અને લાલચ વચ્ચે ફસાતો જાય છે. જે ક્યારેક દેવાદાર બનાવી આત્મહત્યા સુધી પહોંચવા માટે મજબૂર બને છે. વીશીના ચક્કરમાં ત્રણ વિભાગમાં વહેંચાયેલા લોકો આખરે પોતાની મૂડી ફસાવીને વ્યાજના દલદલમાં ઊંડા ઉતરી જાય છે.

એક પ્રકાર છે, જેમાં વર્ગ એવો છે કે, જે દરરોજનું કમાય છે, જેવા કે, શાકભાજી, ચાની કીટલી, ડબલરોટી, વડાપાઉં, ઠંડાપીણા વગેરે ધંધાર્થીઓ દસ મેમ્બર 5 હજાર હપ્તો, જે પ્રથમ હપ્તો સંચાલક પાસે જમા રહે છે. ડ્રો સિસ્ટમમાં જરૂરિયાત મુજબ નામ ન નીકળતા આખરે વેપારી ચાર-પાંચ મહિના બાદ એ જ સંચાલક પાસે મહિને પાંચથી દસ ટકા વ્યાજે પૈસા લઈ હપ્તો પણ ભરે અને વ્યાજ પણ. આવી પરિસ્થિતિ લાંબી ચાલે એટલે સભ્ય વધુ ઊંડો ઉતરતો જાય છે અને છેવટે ઘર-દુકાન વેંચીને કરજ ઉતારે છે.

બીજા પ્રકારની વીશી કે જેમાં એક લાખથી દસ લાખ સુધી વ્યાજવાળી રકમ ભરનાર સભ્ય. આવી વીશીમાં એવા સંચાલકો ઘૂસી ગયા છે, જેઓ પાસે જમા પૈસા કઢાવવા વીશી પૂર્ણ થયા બાદ ચાર પાંચ મહિના નીકળી જાય છે. ભુજમાં આવા સંચાલકો શહેર છોડીને ભાગી ગયાના પણ દાખલા છે. એવી પણ ચાલબાજી થાય છે, જેમાં સંચાલક વીસ સભ્યની શરૂ કરે છે, જેમાં દસ નામ ડમી હોય છે. આ ભૂતિયા નામની વીશી પોતે ઉપાડી દસથી વીસ લાખ સુધીની રકમ ઊંચા વ્યાજે બજારમાં ધીરે છે. આવા અનેક કિસ્સા છે, પણ કોઈ બહાર નથી આવતા. માત્ર વેપારીઓ વચ્ચે ચર્ચાનો વિષય બને છે

પોલીસ ઈચ્છે તો છેતરપિંડીનો ગુનો દાખલ કરી શકે
આ આંતરિક નાણાકીય વ્યવસ્થા ગેરકાયદેસર છે. કોઈ પહોંચ નથી હોતી. વિશ્વાસથી ચાલતા કારોબારમાં જ વિશ્વાસઘાત થાય છે. એક પ્રકારની છેતરપિંડી જ કહી શકાય અને પોલીસ ફરિયાદ પણ થઈ શકે. પરંતુ મોટેભાગે આવા કિસ્સામાં પોલીસને જાણ કરવામાં નથી આવતી. અને ક્યારેક ઓળખતા પોલીસને કહી ધાકધમકી કરી પૈસા કઢાવતા કિસ્સા બન્યા છે.

માર્કેટ યાર્ડમાં બે વેપારીના લાખો ફસાયા
ભુજમાં વાણિયાવાડ, છઠીબારી, અનમ રીંગ રોડ પર દુકાન અને શો રૂમ ધરાવતા કેટલાક વેપારીઓ આ વિષચક્રમાં ફસાયેલા છે. તો માર્કેટ યાર્ડમાં બે મોટા વેપારીઓ, એકના પચોતેર લાખ અને બીજાના સાઈઠ લાખ ફસાયા છે. કોઈ કારણસર પોલીસ પાસે ફરિયાદ નથી કરી, તો સાથે સંચાલક ગામના પાંચથી છ કરોડ ઓળવી ગયા છે, ત્યારે તેના રૂપિયા નીકળશે કે નહિ તે વિચારથી રાહ જોય છે.

અન્ય સમાચારો પણ છે...