મરામત અભિયાન:જે માર્ગમાં પદયાત્રીઓને ઠેસ-કાંકરી વાગ્યા તે નહીં પણ અન્ય રસ્તાઓ સુધારી તંત્રએ સંતોષ માન્યો

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તા.1 થી 10 ઓકટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે કચ્છ જિલ્લામાં પણ વરસાદના કારણે કે અન્ય કોઇ કારણોસર જે ધોરીમાર્ગને નુકશાન થવા પામ્યુ હોય તેવા ધોરીમાર્ગની મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.જોકે આ કામગીરી દરમિયાન જેની સૌથી વધુ જરૂરિયાત હતી તેવા રોડને પ્રાથમિકતા આપવામાં ન આવતા નારાજગી પ્રવર્તી હતી.હાલમાં માતા ના મઢ ખાતે પદયાત્રીઓનો જનસૈલાબ વધી રહ્યો છે પણ નખત્રાણાથી માતા ના મઢ જતો રસ્તો ઘણો ખરાબ છે. રસ્તામાં રવાપર,કોટડા જડોદર, મથલ,નેત્રા સહિતના વિસ્તારોમાં રોડ પરથી કાંકરી ઉખડી જતા પદયાત્રીઓને પગમાં વાગી રહી છે.

આ મુદ્દે રજૂઆતો છતાં આ રોડની હાલતમાં કોઈ સુધારો હજી સુધી કરવામાં આવ્યો નથી. દરમિયાન મંગળવારે માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) દ્વારા નલિયા પેટા વિભાગ હેઠળ ફુલાય વાડા પદ્ધર રોડ ઉપર ૮૦૦ મીટરની મેટલ પેચની કામગીરી, દયાપર પેટા વિભાગ હેઠળ દયાપર મેઘપર નરા રોડ ઉપર ૧૦૦૦ મીટરની મેટલ પેચની કામગીરી, ભુજ પેટા વિભાગ હેઠળ ઉડઈ એપ્રોચ રોડ ઉપર ૨૫૦ મીટરની મેટલ પેચની કામગીરી, નાડાપા હબાય રોડ ઉપર ૬૦૦ મીટરની મેટલ પેચની કામગીરી મળીને આજરોજ જિલ્લામાં કુલ ૨૬૫૦ મીટરની મેટલ પેચની કામગીરી કરવામાં આવી હતી અને હજી પણ જે માર્ગની સ્થિતી ખરાબ છે તેની મરામત કરવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે.

મથલના પુલિયા પાસેનો કાચો મલબો ન ખસેડાયો
નખત્રાણા તાલુકામાં મથલ ગામના મોટા પુલીયાની દીવાલ પાસે બાકોરૂ પડી જતા કાચો માલ મુકાયો છે પણ આ ખાડાને પુરવામાં આવ્યો નથી આ સ્થળે હજી પણ કાચો માલ પડ્યો હોવાથી સામ સામેં આવતા વાહનોને ભારે મુશ્કેલી પડી રહી છે.નવરાત્રીને લઈને નાના મોટા વાહનોનો ધસારો વધુ હોવાથી વાહન ચાલકોને વધુ તકલીફ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...