કોરોના લોકડાઉન 4.0:ભુજથી મુંબઇ આવવા-જવા બીજા દિવસે એક પણ પ્રવાસી ન મળ્યો !

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 62 દિવસ બાદ સેવા શરૂ તો થઇ પણ વિમાની ઉતારુઓમાં ખચકાટ
  • હોટલ, ઉતારા બંધ ઉપરાંત લોકોને કવોરેન્ટાઇન થવાનો ભય

જિલ્લા મથક ભુજમાં લોકડાઉનમાં બંધ થયા બાદ સોમવારે એક દિવસ મુંબઇથી ફ્લાઇટ આવ્યા બાદ મંગળવારે પેસેન્જર ન મળવાથી કેન્સલ કરાઇ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. લોકડાઉન-4માં છૂટછાટ સાથે ઘરેલુ વિમાની સેવા ચાલુ રાખવાની પરવાનગી સરકાર દ્વારા અપાઇ છે. લોકડાઉનના 62 દિવસ બાદ મુંબઇથી વાયા દીવ થઇને ભુજ માટેની ફ્લાઇટ ચાલુ રહેશે તેવા અહેવાલ વચ્ચે સોમવારે ફ્લાઇટ આવ્યા બાદ મંગળવારે કેન્સલ કરાઇ હતી. પ્રથમ દિવસે ભુજ-મુંબઇથી માત્ર 14 યાત્રીઓએ આવ-જા કરી હતી. ત્યારે મંગળવારે ભુજ આવવા અને ભુજથી મુંબઇ જવા માટે એકપણ પેસેન્જર ન મળતાં છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ કરાઇ હોવાની સૂત્રોમાંથી જાળવા મળી રહ્યું છે. વધુમાં અન્ય રાજ્યમાંથી આવતા લોકોએ ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય અને 7 દિવસ હોમ કવોરેન્ટાઇન થવું પડે છે અને હાલે હોટેલ, ઉતારા પણ બંધ હોઇ, કવોરેન્ટાઇન થવું પડશે તેવા ડરના કારણે પણ લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

કંડલા એરપોર્ટ પર અમદાવાદની ફ્લાઈટમાં 5 પ્રવાસી ગયા, હાલની સ્થિતિએ બે દિવસ સેવા બંધ રહે તેવી શક્યતા 
હવાઈ મુસાફરીને ધીમી ધારે ચાલુ કરવા માંગતી સરકાર કુલ ક્ષમતા સામે માત્ર 30% જેટલી ફ્લાઈટ્સને ઓપરેટ કરવાની પરવાનગી આપી રહી છે. ત્યારે કંડલા એરપોર્ટ પર સામાન્ય સંજોગોમાં ચાલતી બે અમદાવાદ અને એક મુંબઈની ફ્લાઈટ સામે ગત તા.25/05થી માત્ર એક અમદાવાદની ટ્રુ જેટની વીમાની સેવા જ ચાલુ છે. જેમાં પણ મંગળવારે 13 પ્રવાસીઓ અમદાવાદથી આવ્યા હતા અને માત્ર 5જ યાત્રીઓ અમદાવાદ ગયા હોવાનું એરપોર્ટ ડાયરેક્ટર સંજીવ મંઘલએ જણાવ્યું હતું. હાલની સ્થિતિ જોતા આગામી તા.28 અને 31 ના સંભવિત રીતે આ ફ્લાઈટ પણ બંધ રખાય તેવું લાગી રહ્યું છે, જોકે હજી સુધી સતાવાર આવી કોઇ જાહેરાત કરાઈ નથી.

સ્લોટ ન મળતાં ફ્લાઇટ કેન્સલ કરાઇ
આ અંગે એર ઇન્ડિયાના મેનેજર સિંઘનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, બુકિંગ હજુ પણ ચાલુ છે અને મુંબઇમાં સ્લોટ ન મળવાથી ભુજની ફ્લાઇટ કેન્સલ કરાઇ હતી. આગામી દિવસોમાં પણ ફ્લાઇટ ચાલુ રહેશે કે કેમ, તે અંગે સરકારની મંજૂરી મળશે તો જ સેવા ચાલુ રખાશે. તેમણે એમ કહ્યું હતું કે, બુધવારે પણ ફ્લાઇટ આવશે કે નહીં તે રાત્રે જ નક્કી કરાશે.

પ્લેન કેન્સલ થાય તો યાત્રીઓને રીફન્ડ
હાલે એર ઇન્ડિયા સેવા માટે તૈયાર છે અને ટિકિટ બુકિંગ પણ થાય છે પરંતુ જયારે ફ્લાઇટ કેન્સલ થાય છે તેવા કિસ્સામાં જે લોકોને આગામી દિવસોમાં મુસાફરી કરવી હોય તો તે રીતે વ્યવસ્થા કરાય છે અને જે લોકો મુસાફરી કરવા માગતા ન હોય તેવા લોકોને રીફન્ડ અપાતું હોવાનું એર ઇન્ડિયાના મેનેજર સિંઘે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...