તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં રોષ:કચ્છમાં નર્મદાના વધારાના પાણી માટે જમીન સ્તરે કોઇ કાર્યવાહી નહીં

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘની બેઠકમાં વિવિધ મુદ્દા ચર્ચાયા

કચ્છને નર્મદાના વધારાના પાણી માટે રાજ્ય સરકારે 3475 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે તે આવકારદાયક છે. વર્ષ 2006માં પણ આવી જાહેરાત કરાઇ હતી. આમ આ દિશામાં હજુ સુધી જમીન સ્તરે કોઇ કાર્યવાહી કરાઇ નથી તેવો સૂર ભુજમાં યોજાયેલી ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘની બેઠકમાં વ્યક્ત કરાયો હતો.

તાલુકા પ્રમુખ કાનજીભાઇ ગાગલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત કારોબારી સભ્યો અને ગ્રામ સમિતિના પ્રમુખ-મંત્રીઓએ જણાવ્યું હતું કે પાણી કચ્છ માટે પ્રાણ પ્રશ્ન છે. સરહદી જિલ્લો હોવા ઉપરાંત ખેતી અને પશુ પાલન પર ગ્રામ્ય વિસ્તારના લોકો અવલંબિત છે. કચ્છમાં કાર્યરત ઉદ્યોગ ગૃહો ભૂતળમાંથી પાણી ખેંચી રહ્યા છે પરિણામે તળ નીચા જઇ રહ્યા છે ત્યારે હવે જો નર્મદાના વધારાના પાણી નહી અપાય તો ખેડૂતો, માલધારીઓની સાથે વેપારીઓને પણ નાછૂટકે કચ્છ છોડવું પડશે. આ સંજોગોમાં યોજનાને તાત્કાલિક પરિપૂર્ણ કરાય તેવી માગ ઉઠી હતી. પીજીવીસીએલને લગતા પ્રશ્નો ઉઠાવતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, ચોમાસાની શરૂઆત થતાં જ એજી ફીડરોમાં વારંવાર ટ્રીપિંગ આવે છે. ફીડર ફોલ્ટમાં જાય તો ત્રણથી ચાર દિવસે પણ રિપેર થતા નથી.

આ અંગે વારંવાર રજૂઆતો કરાઇ છે પણ નક્કર પગલા ભરાતા નથી. ભુજ તાલુકામાં નવા વીજ જોડાણ માટે એસ્ટીમેટની રકમ ભરાઇ ગઇ હોવા છતાં કનેક્શન અપાતા નથી. આ વિલંબના કારણે ખેડૂતોએ લાખો રૂપિયા ખર્ચીને બનાવેલા બોર-કૂવા નકામા થઇ જતા હોવાથી મોટું આર્થિક નુક્સાન થાય છે. આ પ્રશ્નો નહી ઉકેલાય તો નાછૂટકે રોડ પર ઉતરવું પડશે તેમ ખેડૂતોએ રોષ પૂર્વક જણાવ્યું હતું. તાલુકા પ્રમુખે તમામ સમસ્યાની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવાની હૈયાધારણ આપી હતી. જિલ્લા મંત્રી ભીમજીભાઇ કેરાસિયાએ નર્મદા મુદ્દે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમ તાલુકા મંત્રી મનસુખભાઇ પટેલની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...